HOME

logo IGS-c
ihndI m=e] g=It== ke: ëîî xl=ek:

Premier Modi of India receiving our
Over 14,702 ***** Star Reviews Chinese Gita!
(Twelfth print in China, Oct 2015-June 2020)
Bhagavad-Gita in China
To read more about the picture above, Click:
https://www.gita-society.com/pdf/china.pdf

Our eBooks  Paperbacks

ગુજરાતી માં ગીતાનાં સંપૂર્ણ ૭૦૦ શ્લોકોનો અર્થ

Buy this in eBook:

www.amazon.com/dp/B08L3THJW5 

English Rendition: Ramananda Prasad, Ph.D.

Gujarati Translation by Kalavati Patel

Editor: Prakruti Pandya

 

 

 

A short Gujarati Gita for Beginners and Children:

http://gita-society.com/shortGujaratiGita.pdf

विषय सूची

‍‌‌અધ્યાય અર્જુનવિષાદયોગ.. 5

સેના નાયકોનો પરિચય  5

અર્જુન દ્વારા યુદ્ધની ઇચ્છાવાળા યોદ્ધાઓને નિરીક્ષણ કરવાની ઈચ્છા       5

અર્જુનનો શોક  6

અર્જુન દ્વારા યુદ્ધ વિરુદ્ધ દોષોનું વર્ણન   6

વિપરીત સમયમાં સશક્ત પણ ભ્રમિત થાય છે   6

અધ્યાય−૨ સાંખ્યયોગ.. 6

અર્જુન દ્વારા યુદ્ધવિરોધી તર્કો સાચવી રાખવા    7

આત્મા અને શરીરના સાચા જ્ઞાન માટે ગીતાના ઉપદેશનો પ્રારંભ    7

આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે   7

મૃત્યુ અને આત્માના પુનર્જન્મની વ્યાખ્યા       7

શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ક્ષત્રિયના કર્તવ્યનો આભાસ કરાવવો    8

કર્મયોગ અથવા નિષ્કામ સેવાનું મહત્    8

વેદોના વિષય ભૌતિક અને આધ્યાત્મિક જીવનની બે બાજુઓ હોય છે   8

કર્મયોગના સિદ્ધાંત અને વ્યવહાર  8

આત્મજ્ઞાનીનાં લક્ષણ   9

અનિયંત્રિત ઇંદ્રિયોના દુષ્પરિણામ   9

અધ્યાય−૩ કર્મયોગ.. 10

અન્યની સેવા શા માટે?  10

પરસ્પર સહયોગ એ વિધાતાનો પ્રથમ સંકેત   10

નેતાએ પોતે ઉદાહરણ બનવું જરૂરી   10

બધાં જ કર્મો પ્રકૃતિ કરે છે. 11

પૂર્ણતાના માર્ગમાં બે અડચણો     11

કામ પાપનું મૂળ છે   11

કામ ઉપર વિજય કેવી રીતે મળે   11

અધ્યાય−૪ જ્ઞાનકર્મસંન્યાસયોગ.. 11

કર્મયોગ પુરાતન વિસ્મૃત સિદ્ધાંત છે   11

પ્રભુના અવતારનો ઉદ્દેશ   12

પ્રાર્થના અને ભક્તિનો માર્ગ   12

સકામ, નિષ્કામ અને નિષિદ્ધ કર્મ   12

કર્મયોગીને કર્મબંધન નથી    12

યજ્ઞના જુદા જુદા પ્રકાર  13

જ્ઞાનયોગ ઉત્તમ આધ્યાત્મિક અભ્યાસ છે. 13

જ્ઞાનયોગની કર્મયોગીને સ્વપ્રાપ્તિ      13

જ્ઞાનયોગ અને કર્મયોગ બંને મોક્ષ માટે જરૂરી   13

અધ્યાય−૫ કર્મસંન્યાસયોગ.. 13

બંને માર્ગ પરમાત્મા તરફ લઈ જાય છે   14

આત્મજ્ઞાનનો માર્ગ   14

આત્મજ્ઞાનીના બીજાં લક્ષણો     14

ત્રીજો માર્ગ − ભક્તિમયધ્યાનયોગ   15

અધ્યાય−૬ આત્મસંયમયોગ.. 15

કર્મયોગી પણ સંન્યાસી છે   15

યોગ અને યોગીની ઓળખ    15

ધ્યાનના પ્રકાર  15

યોગી કોણ?  16

ચંચળ મનને નિયંત્રિત કરવાના બે ઉપાય  16

અસફળ યોગીની ગતિ    16

સૌથી ઉત્તમ યોગી કોણ?  17

અધ્યાય−૭ જ્ઞાનવિજ્ઞાનયોગ.. 17

પ્રકૃતિ, પુરુષ અને આત્માની ઓળખ    17

પરમાત્મા બધી વસ્તુઓનો આધાર  17

પ્રભુની શોધ કોને હોય?  17

ભક્તિના કોઇપણ ઇચ્છિત રૂપની મૂર્તિમાં પ્રભુનું દર્શન સંભવ   18

અધ્યાય−૮ અક્ષરબ્રહ્મયોગ.. 18

બ્રહ્મ, આત્મા, જીવાત્મા અને કર્મની ઓળખ    18

પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મ   18

પ્રભુપ્રાપ્તિનો સહેલો માર્ગ   18

મૃત્યુકાળમાં પ્રભુધ્યાનથી મોક્ષ−પ્રાપ્તિ      18

સૃષ્ટિમાં બધું જ આવર્તીત છે   19

સંસારથી દૂર જવાના બે પ્રમુખ માર્ગ   19

આત્મજ્ઞાનથી મુક્તિ      19

અધ્યાય−૯ રાજવિદ્યારાજગુહ્યયોગ.. 19

બ્રહ્મનું તત્ત્વજ્ઞાન ઘણું જ રહસ્યમય છે   19

સૃષ્ટિની ૨ચના અને પ્રલયનો સિદ્ધાંત   20

જ્ઞાની અને અજ્ઞાનીઓના માર્ગ   20

બધું જ પરમાત્માનો વિસ્તાર છે   20

અનન્ય પ્રેમ−ભક્તિથી મોક્ષપ્રાપ્તિ      20

કોઇ અક્ષમ્ય પાપી નથી    20

ભક્તિમાર્ગ બીજા માર્ગો કરતાં સરળ   21

અધ્યાય−૧૦ વિભૂતિયોગ.. 21

પરમાત્મા બધી વસ્તુનું મૂળ છે   21

પ્રભુ ભક્તોને જ્ઞાન આપે છે   21

બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ કોઇ જાણતું નથી    21

સંપૂર્ણ સૃષ્ટિ પરબ્રહ્મનો વિસ્તાર છે   21

દૈવી વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન   22

સૃષ્ટિ પરબ્રહ્મનો લઘુતમ અંશ માત્ર   22

અધ્યાય−૧૧ વિરાટરૂપદર્શનયોગ.. 22

પ્રભુદર્શન ભક્તનો પરમ ધ્યેય  22

શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું    23

પ્રભુદર્શન માટે બધા યોગ્ય નથી, નથી બધા દી્રક્ષિત   23

વિરાટ વિશ્વરૂપ દર્શનથી અર્જુનને ભય  23

આપણે બધા દૈવી નિમિત્ત માત્ર   24

અર્જુન દ્વારા વિશ્વરૂપની વંદના    24

પ્રભુના સાકાર રૂપનું દર્શન સંભવ છે   25

ભક્તિ દ્વારા પ્રભુદર્શન   25

અધ્યાય−૧૨ ભક્તિયોગ.. 25

સાકારની ઉપાસના કરે કે નિરાકાર બની?  25

સાકારની ઉપાસનાનાં કારણ   25

ઈશ્વરપ્રાપ્તિના ચાર માર્ગ   26

કર્મયોગનો સરળ અને ઉત્તમ માર્ગ   26

ભક્તનાં લક્ષણ   26

વ્યક્તિ નિષ્ઠાથી દૈવી ગુણ મેળવવા પ્રયત્ન કરે  26

અધ્યાય−૧૩ ક્ષેત્ર−ક્ષેત્રજ્ઞવિભાગયોગ.. 26

સૃષ્ટિ−સિદ્ધાંત   26

નિર્વાણ સાધન માટે ચતુર્વિધિ આર્ષ સત્ય    26

દ્રષ્ટાંત કથા દ્વારા જ પ્રભુનું વર્ણન સંભવ   27

પુરુષ, પ્રકૃતિ, આત્મા અને પરમાત્માનું વર્ણન   27

વિશ્વાસ જ મોક્ષનો માર્ગ   27

બ્રહ્મનાં લક્ષણ   28

અધ્યાય−૧૪ ગુણત્રયવિભાગયોગ.. 28

પુરુષ−પ્રકૃતિના સંયોગથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ    28

પ્રકૃતિના ત્રણ ગુણોનાં લક્ષણ   28

ત્રિગુણ જ આત્માનો પુનર્જન્મનો વાહક છે   28

ગુણાતીત હોય તેને મોક્ષ   29

ગુણાતીત થવાની પ્રક્રિયા    29

અનન્ય ભક્તિ દ્વારા ગુણ−બંધનોને કાપવા સંભવ   29

અધ્યાય−૧૫ પુરુષોત્તમયોગ.. 29

મોહ−વૃક્ષને કાપવું અને પ્રભુશરણથી મોક્ષપ્રાપ્તિ કેવી રીતે?  29

જીવાત્મા ભોગી છે   29

બ્રહ્મ સર્વ વસ્તુઓનો સાર છે   30

ક્ષર, અક્ષર અને અક્ષરાતીત શું છે?  30

અધ્યાય−૧૬ દૈવાસુરસંપ્રદ્વિભાગયોગ.. 30

મોક્ષ માટે અર્જિત (કમાયેલું) પ્રમુખ દૈવી ગુણોની સૂચિ (યાદી)  30

આધ્યાત્મિક યાત્રાની પહેલાં ત્યાજ્ય (ત્યજવા યોગ્ય) આસુરી ગુણોની યાદી    30

ફક્ત બે પ્રકારના માનવ − જ્ઞાની અને અજ્ઞાની    30

અજ્ઞાનનું ફળ છે દુ:ખ    31

કામ−ક્રોધ−લોભ નરકના ત્રણ દ્વાર  31

શાસ્ત્રીય વિધાનનું પાલન અનિવાર્ય  31

અધ્યાય−૧૭ શ્રદ્ધાત્રયવિભાગયોગ.. 31

આસ્થા (શ્રદ્ધા)ના ત્રણ પ્રકાર  31

ભોજનના ત્રણ પ્રકાર  32

યજ્ઞના ત્રણ પ્રકાર  32

વિચાર, વાણી અને કર્મના તપ   32

તપના ત્રણ પ્રકાર  32

બ્રહ્મનાં ત્રણ નામ   32

અધ્યાય−૧૮ મોક્ષસંન્યાસયોગ.. 33

સંન્યાસ અને ત્યાગની પરિભાષા    33

ત્યાગના ત્રણ પ્રકાર  33

કર્મના પાંચ કારણ   33

જ્ઞાનના ત્રણ પ્રકાર  33

કર્તાના ત્રણ પ્રકાર  34

બુદ્ધિના ત્રણ પ્રકાર  34

સંકલ્પના ત્રણ પ્રકાર અને માનવજીવનના ચાર લક્ષ્ય    34

આનંદના ત્રણ પ્રકાર  34

વ્યક્તિની યોગ્યતાને અનુસાર શ્રમનું વિભાજન છે   34

કર્તવ્ય, સાધના અને ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ      34

કર્મબંધન અને સ્વતંત્ર ઇચ્છાશક્તિ      35

સમર્પણ પ્રભુપ્રાપ્તિનો પરમ માર્ગ   35

પરમાત્માની પરમસેવા તથા સર્વોત્તમ દાન   35

ગીતાનો મહિમા    36

સંતુલન જીવન માટે આત્મજ્ઞાન અને કર્મયોગ બન્નેની જરૂરિયાત   36

 

 

ગુજરાતીમાં ગીતાનાં સંપૂર્ણ ૭૦૦ શ્લોકોનો અર્થ

 

શ્રી ગણેશાય નમ: ‌‍

વસુદેવ સુત દેવ કંસ ચાણર મર્દનમ્

દેવકી પરમાનન્ કૃષ્ણન્દે જગદ્ ગુરુ

મૂકં કરોતિ વાચાલં ,પઙ્ગું લઙ્ઘયતે ગિરિમ્

યત્કૃપા તમહં વન્દે પરમાનન્માધવ

 

‍‌‌અધ્યાય અર્જુનવિષાદયોગ

ધૃતરાષ્ટ્ર કહે છે હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં ભેગા થયેલા યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? (૧.૦૧) સંજય કહે છે પાંડવોની સેનાની વ્યૂહરચના જોઈ રાજા દુર્યોધને ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું : હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુના પુત્રોની આ મોટી સેનાને જુઓ. (૧.૦૨−૦૩) આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મહાધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુષશ્રેષ્ઠ પુરુજિત, કુંતિભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના પુત્રો વગેરે મહારથીઓ ઊભા છે. (૧.૦૪−૦૬)

સેના નાયકોનો પરિચય

હે દ્વિજોત્તમ! હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે વિશે આપ સાંભળો. આપણા સૈન્યના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ સ્વયં તથા ભીષ્મપિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, મહારથી અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા શૂરવીરો મારા માટે આ યુદ્ધભૂમિમાં જીવન સમર્પણ કરનાર છે; તેઓ બધા અનેક પ્રકારનાં શસ્ત્રો તથા હથિયારોવાળા અને નિપુણ (યુદ્ધકુશળ) છે. (૧.૦૭−૦૯) ભીષ્મપિતામહ વડે રક્ષાયેલું આપણું સૈન્ય સર્વ પ્રકારે (અસીમ અને) અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય સીમિત−મર્યાદિત છે. (૧.૧૦) હવે અત્યારે બનાવેલા વ્યૂહના સર્વ પ્રવેશમાર્ગોમાં વિભાગ પ્રમાણે ઊભા રહી તમે બધાય ભીષ્મપિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરો (તત્પર રહો). (૧.૧૧) દુર્યોધનના વચન સાંભળીને કૌરવોમાં વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મપિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવવા મોટી સિંહગર્જના કરીને પોતાના દિવ્ય શંખનો પ્રચંડ ઘોષ કર્યો. (૧.૧૨) તે સાથે જ શંખ, મૃદંગ, ઢોલ તથા રણશિંગાં એકસાથે વાગવા લાગ્યાં આથી ત્યાં ઘણો મોટો અવાજ થયો. (૧.૧૩) ત્યાર પછી શ્વેત ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા. (૧.૧૪) શ્રીકૃષ્ણે પોતાનો દિવ્ય પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ અને ઉગ્રકર્મ કરનાર ભીમે પૌંડ્ર શંખ વગાડ્યો. (૧.૧૫) કુંતીપુત્ર મહારાજ યુધિષ્ઠિરે અનંતવિજય શંખ, નકુળે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. (૧.૧૬) તેમ હે રાજન્! મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા સાત્યકિ અને હે પૃથ્વીપતિ! દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ અભિમન્યુએ પોતાના જુદા જુદા શંખો વગાડ્યા. (૧.૧૭−૧૮) આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક કોલાહલે કૌરવોનાં હૃદયોને ભયથી ચીરી નાખ્યાં. (૧.૧૯)

અર્જુન દ્વારા યુદ્ધની ઇચ્છાવાળા યોદ્ધાઓને નિરીક્ષણ કરવાની ઈચ્છા

અર્જુન કહે છે હે અચ્યુત! મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો; એટલે યુદ્ધ કરવા ઇચ્છતા સામે પક્ષે ઊભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે, આ રણભૂમિમાં મારે કોની કોની સાથે લડવાનું છે! દુર્બુદ્ધિ(વાળા) દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઇચ્છતા જેઓ અહીં આવ્યા છે, તે યોદ્ધાઓને હું સારી રીતે જોઈ લઉં. (૧.૨૪−૨૫) અર્જુને બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા સ્વજનોને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ, અર્જુનના મનમાં ખેદ ઉત્પન્ન થયો. અર્જુન અત્યંત કરુણાથી શોક વ્યક્ત કરે છે. (૧.૨૬−૨૭)

અર્જુનનો શોક

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલાં થતાં જાય છે, મુખ સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપ થાય છે. (૧.૨૮−૨૯) મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારો દેહ બળે છે, હું ઊભો રહી શકતો નથી ને મારું મન જાણે ભમે છે. (૧.૩૦) વળી હે કેશવ! મને વિપરીત ચિન્હો દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કોઈ કલ્યાણ જોતો નથી. (૧.૩૧) હે શ્રીકૃષ્ણ! આ રીતે વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ! અમારે (આવા) રાજ્યનો શો અર્થ? આવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન? (૧.૩૨) જેઓ માટે અમારે રાજ્ય અને સુખો ઇચ્છનીય છે, તેઓ તો પોતાના પ્રાણ તથા ધનનો મોહ ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. (૧.૩૩) અહીં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામાહો, મામા, સસરા, પુત્રો, સાળા અને બીજા સંબંધીઓ પણ છે. (૧.૩૪) તેઓ મને મારે અથવા ત્રણે લોકના રાજ્ય માટે પણ હું તેમને મારવા ઈચ્છતો નથી, તો હે મધુસૂદન! પૃથ્વી માટે તેમને શા માટે મારું! (૧.૩૫) હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને અમે મારીએ તે યોગ્ય નથી; કેમ કે અમે સ્વજનોને મારીને કેવી રીતે સુખી રહેવાના? (૧.૩૭) લોભને વશ (થવાથી) જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા આ કૌરવકુળના નાશથી થનારા દોષને અને મિત્રદ્રોહના પાપ વિશે વિચારતા નથી. (૧.૩૮) પણ હે જનાર્દન! કુળના નાશથી થનારા દોષને જોતાં અમારે આ પાપ શા માટે આચરવું જોઈએ? (૧.૩૯)

અર્જુન દ્વારા યુદ્ધ વિરુદ્ધ દોષોનું વર્ણન

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મો નાશ પામતાં આખું કુળ અધર્મમાં દબાઈ જાય છે. (૧.૪૦) હે કૃષ્ણ! અધર્મના લીધે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય! સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. (૧.૪૧) વર્ણસંકર પ્રજા કુળનો ઘાત કરે છે અને આથી કુળ નરકમાં જાય છે; કેમ કે જેઓની પિંડ અને તર્પણક્રિયા નાશ પામી હોય, તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. (૧.૪૨) કુળઘાતીઓના આ વર્ણસંકર થવાના દોષોથી સનાતન જાતિધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. (૧.૪૩) હે જનાર્દન! જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળ્યું છે. (૧.૪૪)

વિપરીત સમયમાં સશક્ત પણ ભ્રમિત થાય છે

અહો! કેટલા ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્યસુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ. (૧.૪૫) એના કરતાં શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને, શસ્ત્રધારી કૌરવો, રણમાં જો મારો વધ કરે તેમાં તો મારું વધુ કલ્યાણ થશે. (૧.૪૬) સંજય કહે છે એમ કહી રણભૂમિમાં શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. (૧.૪૭)

ૐ તત્સદિતિ પ્રથમોધ્યાય:

 

અધ્યાય−૨ સાંખ્યયોગ

સંજય કહે છે આ રીતે કરુણાથી ઘેરાયેલા, આંસુ ભરેલા, વ્યાકુળ નેત્રોવાળા, શોક કરતા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણએ આ મુજબ કહ્યું. (૨.૦૧) શ્રીભગવાન કહે છે હે અર્જુન, આ વિષમ અવસર પર તને આ કાયરતા કેવી રીતે પ્રાપ્ત થઇ? આ શ્રેષ્ઠ મનુષ્યોના આચરણથી વિરુદ્ધ છે તથા આ ન તો સ્વર્ગ પ્રાપ્ત કરવાનું સાધન છે અને ન કીર્તિ આપનાર છે. (૨.૦૨) આથી હે અર્જુન, તું કાયર ન બન. આ તને શોભતું નથી. હે શત્રુઓને મારનાર અર્જુન, તું તારા મનની આ દુર્બળતા ત્યજીને યુદ્ધ કર. (૨.૦૩)

અર્જુન દ્વારા યુદ્ધવિરોધી તર્કો સાચવી રાખવા

અર્જુન કહે છે હે મધુસૂદન! હું આ રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણની વિરુદ્ધ બાણોથી કેમ યુદ્ધ કરું? હે અરિસૂદન! તેઓ બંને પૂજનીય છે. (૨.૦૪) આ મહાનુભાવ ગુરુજનને મારવા કરતા આ લોકમાં ભિક્ષાનું અન્ન ખાવું સારું, કારણ કે ગુરુજનોને મારીને આ લોકમાં એમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગોને જ ભોગવીશ. (૨.૦૫) અને અમે એ પણ નથી જાણતા કે અમારે માટે (યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં) કયું કામ સારું છે, અને એ પણ નથી જાણતાં કે અમે જીતીશું કે તેઓ જીતશે. જેને મારીને અમે જીવવા પણ નથી ઇચ્છતા, તે જ ધૃતરાષ્ટ્ર્રના પુત્રો અમારી સામે ઊભા છે. (૨.૦૬) એટલે કરુણાપૂર્ણ અને કર્તવ્યના માર્ગથી ભ્રમિત, હું તમને પૂછું છું કે મારે માટે જે નિશ્ચય કલ્યાણકારી છે તેને તમો કૃપા કરીને કહો. હું આપનો શિષ્ય છું. શરણમાં આવેલો મને તમો શિક્ષા (ઉપદેશ) આપો. (૨.૦૭) પૃથ્વી પર નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય અને દેવતાઓનું સ્વામિત્વ મળે તો પણ હું એવું કંઈ નથી જોતો, જેથી અમારી ઇંદ્રિયોને સુકાવનારા શોકને ટાળી શકે. (૨.૦૮) સંજય કહે છે હે રાજન્, નિદ્રાને જીતનાર અર્જુન, અંતર્યામી શ્રીકૃષ્ણ ભગવાનને, "હું યુદ્ધ નહીં કરું" તેમ કહી ચૂપ થઇ ગયો. (૨.૦૯) હે ભરતવંશી (ધૃતરાષ્ટ્ર)! બંને સેનાઓની વચમાં શોક કરતાં અર્જુનને અંતર્યામી શ્રીકૃષ્ણ હસતાં હસતાં આ વચન કહે છે. (૨.૧૦)

આત્મા અને શરીરના સાચા જ્ઞાન માટે ગીતાના ઉપદેશનો પ્રારંભ

(મહત્ત્વપૂર્ણ શ્લોકો હાઇલાઇટ કરવામાં આવ્યા છે)

શ્રીભગવાન કહે છે હે અર્જુન! તું જ્ઞાનીઓની જેમ વાત કરે છે, પરંતુ જેને માટે શોક નહીં કરવો જોઈએ તેને માટે શોક કરે છે. જ્ઞાની મૃત કે જીવિત, કોઈપણ માટે શોક કરતા નથી. (૨.૧૧) એવું નથી કે હું કોઈપણ સમયે ન હતો, અથવા તું ન હતો કે આ રાજાઓ ન હતા અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. (૨.૧૨) જેમ આ જીવનમાં જીવાત્મા બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે, તેમજ જીવાત્મા મૃત્યુ પછી બીજું શરીર પ્રાપ્ત કરે છે. આથી ધીર મનુષ્યએ મૃત્યુથી ગભરાવું ન જોઇએ. (૨.૧૩) હે અર્જુન, ઇંદ્રિયોના વિષયોના સંયોગને કારણે થતી ઠંડી−ગરમી અને સુખ−દુ:ખ ક્ષણભંગુર અને અનિત્ય છે. માટે હે અર્જુન, તું તેઓને સહન કર. (૨.૧૪) હે પુરુષશ્રેષ્ઠ, દુ:ખ અને સુખમાં સમાન ભાવથી રહેવાવાળા જે ધીર મનુષ્યને ઇંદ્રિયોના વિષય વ્યાકુળ નથી કરી શકતાં, તે મોક્ષનો અધિકારી થાય છે. (૨.૧૫)

આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે

અસત્ વસ્તુનો ભાવ (વાસ્તવિકતા) નથી અને સત્ વસ્તુનો અભાવ નથી. તત્ત્વદર્શી મનુષ્ય (અસત્ અને સત્) બંનેને તત્ત્વથી જાણે છે. (૨.૧૬) એ અવિનાશીનો નાશ કરવા કોઈ પણ સમર્થ નથી. (૨.૧૭) આ અવિનાશી, અસીમ અને નિત્ય જીવાત્માના આ બધા શરીર નાશવંત કહેવાયાં છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. (૨.૧૮) જે આ આત્માને મારનાર અથવા મરાયેલા માને છે, તેઓ બંને નથી સમજતાં; કેમ કે આત્મા ન કોઇને મારે છે અને ન કોઇથી મરાય છે. (૨.૧૯) આત્મા કદી જન્મતો નથી અને મરતો નથી. આત્માનું હોવું અથવા ન હોવું એવું નથી હોતું. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી એનો નાશ નથી થતો. (૨.૨૦) હે પાર્થ, જે મનુષ્ય આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે કેવી રીતે કોને મરાવશે અને કેવી રીતે કોઇને મારશે? (૨.૨૧)

મૃત્યુ અને આત્માના પુનર્જન્મની વ્યાખ્યા

જેમ મનુષ્ય પોતાના જૂનાં વસ્ત્રોને ઉતારી બીજા નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમજ જીવ મૃત્યુ પછી પોતના જૂના શરીરનો ત્યાગ કરી નવું શરીર પ્રાપ્ત કરે છે. (૨.૨૨) શસ્ત્ર આ આત્માને છેદી નથી શકતો, અગ્નિ બાળી નથી શકતો, પાણી ભીંજવી નથી શકતું અને પવન એને સૂકવી નથી શકતો, કારણ કે આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય અને સૂકવવો અશક્ય છે. આત્મા નિત્ય, સર્વગત, સ્થિર, અચળ અને સનાતન છે. (૨.૨૩−૨૪) આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને નિર્વિકાર કહેવાય છે માટે આત્માને એવો જાણીને તારે શોક ન કરવો જોઇએ. (૨.૨૫) હે મહાબાહો, જો તું શરીરમાં રહેવાવાળા જીવાત્માને નિત્ય જન્મનારો અને મરનારો માને, તો પણ તારે શોક ન કરવો જોઇએ; કારણ કે જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનો જન્મ નિશ્ચિત છે. માટે જે અટલ છે, તેના વિષયમાં તારે શોક ન કરવો જોઇએ. (૨.૨૬−૨૭) હે અર્જુન, બધાં પ્રાણી જન્મ પહેલાં અપ્રકટ હોય છે અને મૃત્યુ પછી પણ અપ્રકટ થઈ જશે, કેવળ (જન્મ અને મૃત્યુની) વચમાં પ્રકટ દેખાય છે. પછી એમાં શોક કરવાની શું આવશ્યકતા છે. (૨.૨૮) કોઈ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, કોઈ એનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, કોઈ એને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ એની બાબતમાં સાંભળીને પણ નથી સમજતા. (૨.૨૯) હે અર્જુન, બધાના શરીરમાં રહેવાવાળો આ આત્મા અવધ્ય છે, તેથી કોઈપણ પ્રાણી માટે તારે શોક ન કરવો જોઈએ. (૨.૩૦)

શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ક્ષત્રિયના કર્તવ્યનો આભાસ કરાવવો

તારા સ્વધર્મની દ્રષ્ટિએ પણ તારે તારા કર્તવ્યથી વિચલિત ન થવું જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું બીજું કોઈ કલ્યાણકારી કામ નથી. (૨.૩૧) હે પૃથાનંદન, આમ અનાયાસે પ્રાપ્ત થયેલું યુદ્ધ, સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે, જે સૌભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે. (૨.૩૨) છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે, તો પોતાનો સ્વધર્મ અને કીર્તિને ખોઈ પાપને પામીશ. (૨.૩૩) તથા બધા લોકો લાંબા સમય સુધી તારી અપકીર્તિની ચર્ચા કરશે. સન્માનિત વ્યક્તિને માટે અપમાન મૃત્યુથી પણ અધિક છે. (૨.૩૪) મહારથી લોકો તને યુદ્ધથી ડરીને ભાગી ગયેલા માનશે. જેને માટે તું બહુ જ માનનીય છે તેની દૃષ્ટિએ તું નીચો પડી જશે. (૨.૩૫) તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા, તારી ઘણી જ બુરાઈ કરશે. તારા માટે આના કરતાં વધારે દુ:ખદાયી શું હોઇ શકે? (૨.૩૬) યુદ્ધમાં મરવાથી તું સ્વર્ગ જશે અથવા વિજયી થઈ પૃથ્વીનું રાજ્ય ભોગવીશ; એટલે હે કૌંતેય, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. (૨.૩૭) સુખ−દુ:ખ, લાભ−હાનિ અને જીત−હારની ચિંતા ન કરી મનુષ્યને પોતાની શક્તિની અનુસાર કર્તવ્ય−કર્મ કરવું જોઈએ. એવા ભાવથી કર્મ કરવાથી મનુષ્યને પાપ (એટલે કે કર્મબંધન) નહીં લાગે. (૨.૩૮)

કર્મયોગ અથવા નિષ્કામ સેવાનું મહત્

હે પાર્થ, મેં સાંખ્યમતનું આ જ્ઞાન તને કહ્યું, હવે કર્મયોગ વિશે સાંભળ, જે જ્ઞાનથી યુક્ત થઈ, તું કર્મબંધનથી મુક્ત થશે. (૨.૩૯) કર્મયોગનો આરંભ અથવા બીજનો નાશ નહીં થાય તથા વિરુદ્ધ ફળ પણ નહીં મળે. આ નિષ્કામ કર્મયોગરૂપી ધર્મનો થોડો જ અભ્યાસ પણ (જન્મ−મરણરૂપી) મહાન ભયથી રક્ષા કરે છે. (૨.૪૦) હે અર્જુન, કર્મયોગી કેવળ ઈશ્વર પ્રાપ્તિનો દૃઢ નિશ્ચય કરે છે; પરંતુ સકામ મનુષ્યની ઇચ્છાઓ અનેક અને અનંત હોય છે. (૨.૪૧)

વેદોના વિષય ભૌતિક અને આધ્યાત્મિક જીવનની બે બાજુઓ હોય છે

હે પાર્થ, સકામી અવિવેકીજન, જે વેદને યથાર્થ સ્વરૂપે નહીં સમજવાને કારણે એવું સમજે છે કે વેદમાં ભોગો સિવાય બીજું કશું છે જ નહીં, તે કામનાઓથી યુક્ત, સ્વર્ગને શ્રેષ્ઠ માનનાવાળા, ભોગ અને ધનને પ્રાપ્ત કરવાવાળા, અનેક ધાર્મિક સંસ્કારોને બતાવે છે, જે પુનર્જન્મરૂપી કર્મફળને દેનારી હોય છે. (૨.૪૨−૪૩) ભોગ અને ઐશ્વર્યે જેનાં ચિત્ત હરી લીધાં છે, એવી વ્યક્તિના અંત:કરણમાં ભગવતપ્રાપ્તિના દૃઢ નિશ્ચય નથી હોતા અને તે પરમાત્માનું ધ્યાન નથી કરી શકતાં. (૨.૪૪) હે અર્જુન, વેદો (ના કર્મકાંડ)ના વિષય પ્રકૃતિનાં ત્રણ ગુણોથી સંબંધિત છે, તું ત્રિગુણાતીત, નિર્દ્વંદ્વ, પરમાત્મામાં સ્થિત, યોગક્ષેમ ન માનનાર તથા આત્મપરાયણ બન. (૨.૪૫) બ્રહ્મને તત્ત્વથી જાણવાવાળાને માટે વેદોની એટલી જ આવશ્યકતા રહે છે, જેટલી મહાન સરોવરને પ્રાપ્ત કર્યા પછી એક નાના જળાશયની. (૨.૪૬)

કર્મયોગના સિદ્ધાંત અને વ્યવહાર

ફક્ત કર્મ કરવાનું જ મનુષ્યના વશમાં છે, કર્મફળમાં નથી. એટલા માટે તું કર્મફળની આસક્તિમાં ન ફસાઈશ તથા પોતાના કર્મનો ત્યાગ પણ ન કર. (૨.૪૭) હે ધનંજય, પરમાત્માનું ધ્યાન અને ચિંતનમાં સ્થિર થઈ, બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કર, તથા સફળતા અને અસફળતામાં સમાન થઈ, પોતાના કર્તવ્યકર્મોનું સારી રીતે પાલન કર. મનના સમત્વ ભાવમાં રહેવું જ યોગ કહેવાય. (૨.૪૮) કર્મયોગથી સકામ કર્મ અત્યંત તુચ્છ છે; એટલે હે અર્જુન, તું કર્મયોગી બન, કારણ કે ફળની ઇચ્છા રાખવાવાળાને (અસફળતાનો ભય તથા) દુ:ખ થાય છે. (૨.૪૯) કર્મફળની આસક્તિ ત્યાગ કરીને કર્મ કરવાવાળા નિષ્કામ કર્મયોગી, આ જીવનમાં પાપ અને પુણ્યથી મુક્ત થઈ જાય છે. એટલે તું નિષ્કામ કર્મયોગી બન. (ફળની આસક્તિમાં અસફળતાનો ભય હોય છે. એટલા માટે કર્મ સારી રીતે થતાં નથી.) નિષ્કામ કર્મયોગને કુશળતાપૂર્વક કર્મ કર્યું કહેવાય. (૨.૫૦) જ્ઞાની કર્મફળની આસક્તિને ત્યાગવાને કારણ જન્મ−મરણના બંધનથી મુક્ત થઈ જાય છે તથા પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. (૨.૫૧) જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને પાર કરી જશે તે વખતે તું શાસ્ત્રમાંથી સાંભળેલા તથા સાંભળવા યોગ્ય વસ્તુઓથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. (૨.૫૨) જ્યારે અનેક પ્રકારના પ્રવચનોને સાંભળવાથી વિચલિત થયેલી તારી બુદ્ધિ પરમાત્મા સ્વરૂપમાં નિશ્ચલરૂપે સ્થિર થઈ જશે, તે વખતે તું સમાધિમાં પરમાત્મા સાથે યુક્ત થઈ જશે. (૨.૫૩) અર્જુન કહે છે હે કેશવ! સમાધિ પ્રાપ્ત, સ્થિર બુદ્ધિવાળા અથવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યોના કેવાં લક્ષણ છે? સ્થિર બુદ્ધિવાળા મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? (૨.૫૪)

આત્મજ્ઞાનીનાં લક્ષણ

શ્રીભગવાન કહે છે હે પાર્થ! જે વખતે સાધક પોતાના મનની સંપૂર્ણ કામનાઓને પૂર્ણરૂપે ત્યાગ કરે છે અને આત્મામાં જ આત્માનંદથી સંતુષ્ટ રહે છે તે વખતે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (૨.૫૫) દુ:ખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય, સુખની જેને આકાંક્ષા ન થાય તથા જેના મનમાં રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા હોય, એવા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (૨.૫૬) જેને કોઈપણ વસ્તુમાં આસક્તિ ન હોય, શુભને પ્રાપ્ત કરીને પ્રસન્ન ન થાય અને અશુભથી દ્વેષ ન કરે, તેની બુદ્ધિ સ્થિર છે. (૨.૫૭) જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેવી જ રીતે જ્યારે સાધક બધી બાજુથી પોતાની ઇંદ્રિયોને વિષયોથી આવી રીતે સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર સમજવી જોઈએ. (૨.૫૮) ઇંદ્રિયોને વિષયોમાંથી હટાવવાવાળા મનુષ્યોથી વિષયોની ઇચ્છા તો દૂર થઈ જાય છે, પરંતુ વિષયોની આસક્તિ દૂર નથી થતી. પરમાત્માના સ્વરૂપને (તારાતમ્ય વિદ્યા દ્વારા) સારી રીતે સમજી સ્થિતપ્રજ્ઞ મનુષ્ય (વિષયોની) આસક્તિથી પણ દૂર થઈ જાય છે. (૨.૫૯)

અનિયંત્રિત ઇંદ્રિયોના દુષ્પરિણામ

હે કુંતીનંદન, સંયમનો પ્રયત્ન કરતાં જ્ઞાની મનુષ્યના મનને પણ ચંચળ ઇંદ્રિયો બળપૂર્વક હરી લે છે. (૨.૬૦) એટલા માટે સાધક પોતાની સંપૂર્ણ ઇંદ્રિયોને વશમાં રાખીને મારામાં શ્રદ્ધાપૂર્વક ધ્યાનમાં બેસે; કારણ કે જેની ઇંદ્રિયો વશમાં હોય છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે. (૨.૬૧) વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી (વિષયોને સેવન કરવાથી) ઇચ્છા ઉત્પન્ન થાય છે અને ઈચ્છા (પૂરી ન થવા)થી ક્રોધ ઉત્પન્ન થાય છે. (૨.૬૨) ક્રોધથી સંમોહ એટલે અવિવેક ઉત્પન્ન થાય છે. સંમોહથી મન ભ્રષ્ટ થાય છે. મન ભ્રષ્ટ થવાથી બુદ્ધિ નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે. (૨.૬૩) રાગ અને દ્વેષથી રહિત સંયમી સાધક પોતાની વશમાં રાખેલી ઇંદ્રિયો દ્વારા વિષયોને ભોગવવા છતાં શાંતિ પ્રાપ્ત કરે છે. (૨.૬૪) શાંતિથી બધા દુ:ખોનો અંત આવે છે અને શાંત ચિત્ત મનુષ્યની બુદ્ધિ શીઘ્ર (તરત) જ સ્થિર થઈ પરમાત્મામાં યુક્ત થઈ જાય છે. (૨.૬૫) (ઈશ્વરથી) અયુક્ત મનુષ્યના અંત:કરણમાં ન ઈશ્વરનું જ્ઞાન થાય, ન ઈશ્વરની ભાવના થાય, ભાવનાહીન મનુષ્યને શાંતિ નથી મળતી અને અશાંત મનુષ્યને સુખ ક્યાંથી હોય? (૨.૬૬) જેમ પાણીમાં તરતી નાવને તોફાન એના લક્ષ્યથી દૂર ધકેલે છે તેવી રીતે ઇંદ્રિયસુખ મનુષ્યની બુદ્ધિને ખોટા માર્ગે લઈ જાય છે. (૨.૬૭) માટે હે અર્જુન, જેની ઇંદ્રિયો સર્વ પ્રકારે વિષયોમાંથી નીકળીને વશમાં થયેલી છે, તેની બુદ્ધિ સ્થિર રહે છે. (૨.૬૮) બધાં પ્રાણીઓ માટે જે રાત્રિ છે તેમાં સંયમી મનુષ્ય જાગતો રહે છે અને જ્યારે સાધારણ મનુષ્ય જાગે છે ત્યારે તત્ત્વદર્શી મુનિને માટે એ રાત્રિ સમાન હોય છે. (૨.૬૯) જેમ બધી નદીઓનાં પાણી સમુદ્રને વિચલિત ન કરતાં પરિપૂર્ણ સમુદ્રમાં સમાઈ જાય છે, તેવી રીતે બધા ભોગ જે સંયમી મનુષ્યમાં વિકાર ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે, તે મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે, નહીં કે ભોગોની કામના કરવાવાળા. (૨.૭૦) જે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજી ઇચ્છારહિત, મમતારહિત તથા અહંકારરહિત બની વિચરણ કરે છે, તે શાંતિ પ્રાપ્ત કરે છે. (૨.૭૧) હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે, જેને પ્રાપ્ત કરીને પછી મનુષ્ય મોહિત નથી થતો. અંત સમયમાં પણ આ નિષ્ઠામાં સ્થિત થઈ મનુષ્ય બ્રહ્મનિર્વાણ પ્રાપ્ત કરે છે. (૨.૭૨)

ૐ તત્સદિતિ દ્વિતીયોધ્યાય:

 

અધ્યાય−૩ કર્મયોગ

અર્જુન કહે − હે જનાર્દન! નિષ્કામ કર્મ કરતાં જ્ઞાનને જો તમે વધારે ઉત્તમ માનતા હો, તો હે કેશવ! તમે મને આવાં ઘોર કર્મમાં કેમ જોડો છો? (૩.૦૧) આપ આવાં અટપટાં વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખી દો છો તેવું મને લાગે છે. તો બે માંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો જેથી હું શ્રેયને પ્રાપ્ત થાઉં. (૩.૦૨) શ્રીભગવાન કહે છે હે નિષ્પાપ! આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની, એમ બે પ્રકારની કર્તવ્ય તત્પરતા મેં પહેલાં કહી છે. (૩.૦૩) મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી નિષ્કામ ભાવને પામતો નથી; તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી. (૩.૦૪) ખરેખર કોઈપણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી; કારણ કે પ્રકૃતિના ગુણોથી પરવશ સર્વ પ્રાણીઓને કર્મ તો કરવાં જ પડે છે. (૩.૦૫) જે મૂઢપુરુષ કર્મેન્દ્રિયોને રોકીને મન વડે ઇંદ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે ઢોંગી કહેવાય છે. (૩.૦૬)

અન્યની સેવા શા માટે?

ખરેખર હે અર્જુન! મન વડે ઇંદ્રિયોને નિયમમાં કરીને ફળમાં આસક્તિ રાખ્યા વગર જે કર્મેન્દ્રિયો વડે નિષ્કામ કર્મયોગનો આરંભ કરે છે, તે અતિશ્રેષ્ઠ બને છે. (૩.૦૭) તું ઇંદ્રિયોને નિયમમાં રાખી નિયત કર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતાં નિષ્કામ કર્મ કરવાં વધારે શ્રેષ્ઠ છે; અને કર્મ નહીં કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. (૩.૦૮) હે કૌંતેય! યજ્ઞ માટેના કર્મ સિવાય ફક્ત પોતાના માટે કર્મ કરવાથી મનુષ્ય કર્મબંધનમાં બંધાઈ જાય છે; માટે ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. (૩.૦૯)

પરસ્પર સહયોગ એ વિધાતાનો પ્રથમ સંકેત

કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓનું સર્જન કરીને બ્રહ્માએ કહ્યું હતું : "આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. એ તમારી ઇચ્છિત કામનાઓ આપનાર થાઓ." (૩.૧૦) "આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરશે. એકબીજાને સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણ પામશો." (૩.૧૧) "કેમ કે યજ્ઞ વડે પૂજાયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. તેમણે આપેલા ભોગો તેમણે સમર્પિત નહીં કરીને જે પોતે જ ભોગવે છે, તે ચોર જ છે." (૩.૧૨) યજ્ઞથી વધેલું ભોજન લેનારા સત્પુરુષો સર્વ પાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે, તેઓ પાપ જ ખાય છે એમ સમજવું. (૩.૧૩) અન્નથી પ્રાણીઓ પોષાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. (૩.૧૪) કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે; માટે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં સ્થિત રહેલા છે એમ તું સારી રીતે સમજી લે. (૩.૧૫) હે પાર્થ! એમ આ લોકમાં ચાલી રહેલા ચક્રને જે અનુસરતો નથી, તે પાપી જીવનવાળો તથા ઇંદ્રિયોમાં રમમાણ રહેનારો વ્યર્થ જ પોતાનું જીવન જીવે છે. (૩.૧૬) પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતોષી રહે છે, તેને કશું કરવાનું રહેતું નથી. (૩.૧૭) તે બ્રહ્મવેદને આ સંસારમાં કરેલાં કે નહીં કરેલાં કર્મથી કોઈ સ્વાર્થ કે સ્પૃહા હોતાં નથી; તેમ જ તેનો સર્વ પ્રાણીઓમાં કોઇની પણ સાથે સ્વાર્થ સંબંધ હોતો નથી. (૩.૧૮) માટે કર્મ આસક્ત થયા વિના તું નિરંતર તારા માટે યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કર; કેમ કે આસક્તિરહિત થઈ કર્મ કરતો પુરુષ અવશ્ય પરમપદને પામે છે. (૩.૧૯)

નેતાએ પોતે ઉદાહરણ બનવું જરૂરી

કેમ કે જનક વગેરે મહાત્મા કર્મ વડે જ પરમ સિદ્ધિને પામ્યા છે; વળી લોકસંગ્રહ માટે પણ તારે કર્મ કરવાં જ જોઈએ. (૩.૨૦) કેમ કે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે, તે અનુસાર લોકો પોતાનું વર્તન કરે છે અને તેને અનુસરે છે. (૩.૨૧) હે પાર્થ! મારે ત્રણ લોકમાં કોઈપણ કર્મ કરવાનું નથી કે કશું મેળવવાનું નથી; છતાં હું સતત કર્મ કરતો રહું છું. (૩.૨૨) હે પાર્થ! કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે. (૩.૨૩) એથી જો હું કર્મ ન કરું તો લોકો પણ અકર્મી બને. આથી આ લોકો નાશ પામે અને હું વર્ણસંકરનો કર્તા થાઉં. વળી આ પ્રજાઓનો પણ નાશ થાય. (૩.૨૪) હે ભારત! કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે, તેમ આ લોકોને ટકાવવા ઇચ્છતા વિદ્વાન પુરુષે પણ અનાસક્ત થઈ કર્મ કરવું આવશ્યક છે. (૩.૨૫) વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અવિવેકીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવાં. (૩.૨૬)

બધાં જ કર્મો પ્રકૃતિ કરે છે.

સર્વ પ્રકારે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે છતાં અહંકારથી મૂઢ થયેલા અંત:કરણવાળો મનુષ્ય "હું કર્તા છું" એમ માને છે. (૩.૨૭) હે મહાબાહો! ગુણવિભાગને અને કર્મવિભાગના તત્ત્વને જાણનારો પુરુષ તો "સર્વ ગુણો, ગુણોમાં વર્તે છે" એમ માની તેમાં જરાય આસક્ત થતો નથી. (૩.૨૮) પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો દેહાદિ ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે; પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણજ્ઞાની પુરુષે ચલિત ન કરવાં જોઈએ. (૩.૨૯) વિવેકી ચિત્ત વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી ફળની ઇચ્છા રાખ્યા વિના, મમતા વિના તથા શોકરહિત થઈ તું યુદ્ધ કર. (૩.૩૦) જે મનુષ્યો મારા આ નિત્યમતને દ્વેષબુદ્ધિથી રહિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી આચરે છે, તેઓ પણ કર્મના બંધનથી અવશ્ય મુક્ત થાય છે. (૩.૩૧) પરંતુ જેઓ અસૂયા કરનારા મારા આ મત પ્રમાણે વર્તતા નથી, તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ. (૩.૩૨) જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કર્મો કરે છે. બધા પ્રાણીઓ સ્વભાવને અનુસરે છે; એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકે? (૩.૩૩)

પૂર્ણતાના માર્ગમાં બે અડચણો

પ્રત્યેક ઇંદ્રિયને તેના વિષયમાં રાગ−દ્વેષ અવશ્ય રહેલાં છે. તે રાગ−દ્વેષને કદી વશ ન થવું, કારણ કે તે રાગ−દ્વેષ જ મનુષ્યના કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનારા મહાશત્રુઓ છે. (૩.૩૪) બીજાનો ધર્મ આચારવો સરળ હોય અને પોતાનો ધર્મ ગુણ વગરનો હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતાં મૃત્યુ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે માટે સ્વધર્મ જ આચરવો. (૩.૩૫)

કામ પાપનું મૂળ છે

અર્જુન કહે છે તો પછી હે કેશવ! મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ બળપૂર્વક કોઈ કામમાં જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? (૩.૩૬) શ્રીભગવાન કહે છે રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. એ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન તૃપ્ત થનારો મહાપાપી છે. આ સંસારમાં આને તું મહાશત્રુ જાણ. (૩.૩૭) જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે, મેલથી આરસી ઢંકાઈ જાય છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ મહાશત્રુ કામ વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. (૩.૩૮) હે કૌંતેય! કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ મનુષ્યનો નિત્યનો વેરી છે. જ્ઞાનીનું વિવેકજ્ઞાન એનાથી જ ઢંકાઈ જાય છે. (૩.૩૯) જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રયસ્થાન કહેવાય છે. આ કામરૂપી મહાશત્રુ જ્ઞાનને ઢાંકી દઈ શરીરધારીઓને મોહિત બનાવે છે. (૩.૪૦) હે ભરતશ્રેષ્ઠ! તેથી તું પ્રથમ ઇંદ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો તરત જ ત્યાગ કર. (૩.૪૧)

કામ ઉપર વિજય કેવી રીતે મળે

શરીરથી આ ઇંદ્રિયોને પર કહે છે, ઇંદ્રિયોથી શ્રેષ્ઠ આપણું મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી જે પર અને મહાન છે તે આત્મા છે. (૩.૪૨) હે મહાબાહો! એમ આત્માને બુદ્ધિથી પર જાણી, બુદ્ધિ વડે મનને વશ કરી અર્થાત્ આત્માને આત્મા વડે નિયમમાં કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત જ નાશ કર. (૩.૪૩)

ૐ તત્સદિતિ તૃતીયોધ્યાય:

 

અધ્યાય−૪ જ્ઞાનકર્મસંન્યાસયોગ

 

કર્મયોગ પુરાતન વિસ્મૃત સિદ્ધાંત છે

શ્રીભગવાન કહે છે આ અવિનાશી જ્ઞાનયોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. (૪.૦૧) હે પરંતપ! એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. પરંતુ તે આત્મોદ્ધારક યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. (૪.૦૨) તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ પરમ ગતિ આપનારું ઉત્તમ રહસ્ય છે. વળી તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે. (૪.૦૩) અર્જુન કહે છે આપનો જન્મ હમણાંનો છે, અને સૂર્યનો જન્મ પુરાતન પહેલાંનો છે; તો આપે આ યોગ પૂર્વે સૂર્યને કહ્યો એમ હું શી રીતે સમજું? (૪.૦૪)

પ્રભુના અવતારનો ઉદ્દેશ

શ્રીભગવાન કહે છે હે અર્જુન! મારા અને તારા આ સિવાય ઘણા જન્મો થઈ ગયા છે. તે બધા હું જાણું છું. હે પરંતપ! તું નથી જાણતો. (૪.૦૫) હું અજન્મા, અવિનાશી અને સર્વભૂતોનો ઈશ્વર છું; છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે આ લોકમાં જન્મ ધારણ કરું છું. (૪.૦૬) હે ભારત! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે, ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. (૪.૦૭) સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું. (૪.૦૮) હે અર્જુન! આમ મારા અલૌકિક જન્મ તથા દિવ્યકર્મને જે તત્ત્વથી સમજે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પ્રાપ્ત કરે છે. (૪.૦૯) રાગ, ભય તથા ક્રોધરહિત, મારામાં લીન બનેલા, મારો આશ્રય કરનારા અને જ્ઞાનરૂપ તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. (૪.૧૦)

પ્રાર્થના અને ભક્તિનો માર્ગ

જેઓ જે પ્રકારે મારા શરણે આવી, મને ભજે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું અર્થાત્ મારામાં સ્થિત કરું છું. હે પાર્થ! મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે. (૪.૧૧) આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા મનુષ્યો દેવતાઓને પૂજે છે; કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારા ફળની સિદ્ધિ તત્કાલ થાય છે. (૪.૧૨) ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યુ છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. (૪.૧૩) મને કર્મો સ્પર્શ કરતાં નથી; કેમ કે મને કર્મફળની ઈચ્છા નથી; એ રીતે જે મને જાણે છે, તે કર્મો વડે બંધન પામતો નથી. (૪.૧૪) પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર. (૪.૧૫)

સકામ, નિષ્કામ અને નિષિદ્ધ કર્મ

કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મોહિત થયા છે. તે કર્મ વિશે હવે હું તને બરાબર સમજાવીશ તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઇ જઈશ. (૪.૧૬) કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ, અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમ કે કર્મની ગતિ ગહન છે. (૪.૧૭)

કર્મયોગીને કર્મબંધન નથી

કર્મમાં અકર્મને અર્થાત્ કર્મના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે, તે મનુષ્ય બુદ્ધિમાન છે; તે યોગયુક્ત છે અને સર્વ કર્મ કરનારો છે. (૪.૧૮) જેના સર્વ આરંભેલા કર્મો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળીને નષ્ટ થઈ ગયાં હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૪.૧૯) કર્મફળની આસક્તિ છોડીને નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય અને આકાંક્ષારહિત મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ જ કરતો નથી. (૪.૨૦) જે તૃષ્ણારહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ સંગ્રહમાત્ર છોડી દીધા છે, તે શરીરનિર્વાહ માટે જ કર્મો કરે છતાં પાપથી જરાય લોપાતો નથી. (૪.૨૧) અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો, સુખદુ:ખાદિ સંઘર્ષથી મુક્ત, ઈર્ષારહિત તથા સિદ્ધિ−અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ તેનાથી બંધાતો નથી. (૪.૨૨) ફળની ઈચ્છા વિનાના, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યનાં સર્વ કર્મ નાશ પામે છે. (૪.૨૩) હોમવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ કર્તાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે, આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવ સ્થિર રહે છે તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. (૪.૨૪)

યજ્ઞના જુદા જુદા પ્રકાર

બીજા કર્મયોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક તત્ત્વવેત્તાયોગીઓ બ્રહ્માગ્નિમાં આત્માને જ્ઞાનથી હોમે છે. (૪.૨૫) કેટલાક મુમુક્ષુ કાન વગેરે ઇંદ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને કેટલાક શબ્દાદિ વિષયોને ઇંદ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. (૪.૨૬) વળી કેટલાક ઇંદ્રિયોનાં સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. (૪.૨૭) તેમ જ કેટલાક પ્રયત્નશીલ યોગીઓ દાનયજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગયજ્ઞ કરનારા અને સ્વાધ્યાયયજ્ઞ કરનારા તથા જ્ઞાનયજ્ઞ કરનારા દૃઢ વ્રતધારી હોય છે. (૪.૨૮) કેટલાક યોગીઓ અપાનવાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનવાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં સદા તત્પર રહેનારા હોય છે. (૪.૨૯) કેટલાક યોગીઓ આહારને નિયમમાં કરી પોતાના પ્રાણોને પોતાના પ્રાણોમાં જ હોમે છે. આ બધાય યજ્ઞને જાણનારા જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરી પાપરહિત થાય છે. (૪.૩૦) યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે. હે કુરુશ્રેષ્ઠ! યજ્ઞનું અનુષ્ઠાન ન કરનારને આ લોક મળતો નથી, તો પરલોક તો ક્યાંથી મળે? (૪.૩૧) આ પ્રમાણે વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે સર્વ યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતાં કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું વિવેક બુદ્ધિ દ્વારા કર્મનાં બંધનથી અવશ્ય મુક્ત થઈશ. (૪.૩૨)

જ્ઞાનયોગ ઉત્તમ આધ્યાત્મિક અભ્યાસ છે.

હે પરંતપ! દ્રવ્યાદિથી થનારા યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે; કેમ કે હે પાર્થ! સર્વ સંપૂર્ણ કર્મો નિ:શેષ થઈને જ્ઞાનમાં સમાઈ જાય છે. (૪.૩૩) તે જ્ઞાનનો ઉપદેશ તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ આપશે. તેમને દંડવત્ પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે વિશે તું જાણી લે. (૪.૩૪) હે પાંડવ! એ જાણીને તું પછી ફરી આ રીતે મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વભૂતોને તું પહેલાં પોતાનામાં અને પછી મારામાં સ્થિત જોઈશ. (૪.૩૫) જો તું સર્વ પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે સર્વ પાપરૂપી સમુદ્રને તરી જઈશ. (૪.૩૬) હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વ લાકડાંને બાળીને ભસ્મ બનાવી દે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે. (૪.૩૭)

જ્ઞાનયોગની કર્મયોગીને સ્વપ્રાપ્તિ

આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનના યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરીને આપોઆપ જ પોતાનામાં વિરામ પામે છે અર્થાત્ મોક્ષ પામે છે. (૪.૩૮) શ્રદ્ધાવાન, ગુરુસેવામાં તત્પર અને જિતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત મોક્ષરૂપ પરમ શાંતિને પામે છે. (૪.૩૯) પરંતુ આત્મજ્ઞાનરહિત તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમય રહી, એ જ્ઞાન મેળવી શકતો નથી અને નાશ પામે છે. તેવા મનુષ્ય માટે આ લોક કે પરલોકમા ક્યાંય સુખ નથી. (૪.૪૦)

જ્ઞાનયોગ અને કર્મયોગ બંને મોક્ષ માટે જરૂરી

હે ધનંજય! યોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો વિરામ પામ્યા હોય, એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મોનું બંધન હોતું નથી. (૪.૪૧) માટે હે ભરતવંશી! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ આત્મવિષયક સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નિષ્કામ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. (૪.૪૨)

ૐ તત્સદિતિ ચતુર્થોધ્યાય:

 

અધ્યાય−૫ કર્મસંન્યાસયોગ

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! આપ કર્મના સંન્યાસની અને બીજી તરફ કર્મના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી ગમે તે એક મારે માટે કલ્યાણકારક હોય તે જ નિશ્ચિત કરીને કહો. (૫.૦૧) શ્રીભગવાન કહે છે કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારાં છે; પણ તે બંનેમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગ વધારે ઉત્તમ છે. (૫.૦૨) હે મહાબાહો! જે કોઈનો પણ દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી, તેને સદા સંન્યાસી જાણવો; કેમ કે રાગદ્વેષના દ્વંદ્વથી નિવૃત્ત થયેલો મનુષ્ય અનાયાસે સંસારથી મુક્ત થઈ જાય છે. (૫.૦૩)

બંને માર્ગ પરમાત્મા તરફ લઈ જાય છે

સંન્યાસ અને કર્મયોગ અર્થાત્ જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમ અવિચારીઓ કહે છે, વિદ્વાનો કહેતા નથી; કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. (૫.૦૪) જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ પરમપદ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ અર્થાત્ સરખા માને છે તે જ બરાબર છે. (૫.૦૫) પરંતુ હે મહાબાહો! કર્મયોગના અનુષ્ઠાન વિના સંન્યાસયોગ પ્રાપ્ત કરવો અતિ કઠિન છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ તરત જ પરબ્રહ્મને પામે છે. (૫.૦૬) જે જિતેન્દ્રિય મનને વશમાં રાખનારો અને શુદ્ધ અંત:કરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીમાત્રના આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરવા છતાં પણ તેનાથી લિપ્ત થતો નથી. એવો કર્મયોગયુક્ત તત્ત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, જાગે, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, કંઈ ગ્રહણ કરે, આંખો ઉઘાડે કે મીંચે તો પણ "ઇંદ્રિયો પોત−પોતાના વિષયોમાં વર્તે છે" એમ સમજી "હું કાંઈ કરતો નથી" એવું માને છે. (૫.૦૮−૦૯) જે મનુષ્ય ફળની આસક્તિ ત્યજીને બધાં કર્મો પરમાત્માને અર્પણ કરે છે, તે પાણીમાં સ્થિત કમળના પાનની જેમ પાપથી લોપાતો નથી. (૫.૧૦) કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇંદ્રિયોથી, આસક્તિને ત્યજીને કેવળ ઇંદ્રિયોથી અંત:કરણની શુદ્ધિ માટે જ સર્વ કર્મો કરે છે. (૫.૧૧) કર્મયોગી કર્મફળની કામના ત્યજીને અર્થાત્ પરમેશ્વરને અર્પણ કરીને પરમશાંતિને પામે છે અને યોગરહિત પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધનમાં પડે છે. (૫.૧૨)

આત્મજ્ઞાનનો માર્ગ

શરીરને વશ કરનાર પુરુષ મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને નવ દ્વારોવાળી આ દેહરૂપી નગરીમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોઈ સુખપૂર્વક રહે છે. (૫.૧૩) ઈશ્વર પ્રાણીઓના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી, કર્મનું કે કર્મના ફળનું સર્જન કરતો નથી; પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિમાતા જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. (૫.૧૪) પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય સ્વીકારતા નથી; અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે. (૫.૧૫) પરંતુ જેમનું તે અજ્ઞાન તત્ત્વજ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. (૫.૧૬) પરમાત્મામાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના દેહની સ્થિતિ તન્મય છે, જેઓ પરમભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મમરણના બંધનથી મુક્ત થઈ જાય છે. (૫.૧૭)

આત્મજ્ઞાનીના બીજાં લક્ષણો

તેવા મુક્ત વિદ્યાવિનયયુક્ત જ્ઞાનીઓ (સર્વજનમાં દર્શન કરતાં હોવાથી) બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે. (૫.૧૮) જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે, તેમણે અહીં જ સંસાર જીતી લીધો છે; કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે. (પ.૧૯) પ્રિય મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય મેળવીને ઉદ્વેગ પામતો નથી એવો સ્થિરબુદ્ધિ, સંશયરહિત અને બ્રહ્મને જાણવાવાળો મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મામાં હંમેશાં સ્થિર રહે છે. (૫.૨૦) એવા બ્રહ્મરૂપ મનુષ્ય પોતાના અંત:કરણમાં બ્રહ્માનંદને પ્રાપ્ત કરીને ઇંદ્રિયોના વિષયોમાં અનાસક્ત થઈ જાય છે અને અવિનાશી પરમસુખ પ્રાપ્ત કરે છે. (૫.૨૧) ઇંદ્રિયો તથા વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થતા જે ભોગો છે, તે જ દુ:ખનું મૂળ કારણ છે અને તે આદિ−અંતવાળા છે. હે અર્જુન! જ્ઞાનીપુરુષ તેમાં આસક્ત થતા નથી. (પ.૨૨) શરીરનો નાશ થાય તે પહેલાં કામ−ક્રોધથી ઉપજતા વેગને સહજતાથી સહેવા માટે જે મનુષ્ય સમર્થ છે, તે પુરુષ યોગી છે અને તે જ સુખી છે. (૫.૨૩) જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને જ્ઞાનના પ્રકાશનો અનુભવ કરે છે, તે બ્રહ્મરૂપ થઇને મોક્ષ પામે છે. (પ.ર૪) જેમના પાપાદિ દોષ નાશ પામ્યા છે, જેમના સંશયો છેદાઈ ગયા છે, જેમનું મન પોતાના વશમાં છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં સદા તત્પર છે, એવા બ્રહ્મવેત્તા મનુષ્ય બ્રહ્મને પામે છે. (૫.૨પ) જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામક્રોધથી મુક્ત થઈ ગયા છે, જેમણે ચિત્તને વશ કર્યું છે, તેવા સંન્યાસીને સહેલાઇથી બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય છે. (૫.૨૬)

ત્રીજો માર્ગ − ભક્તિમયધ્યાનયોગ

બહારના વિષયોને અંત:કરણમાં ચિંત્વયા વગર, આંખોની દૃષ્ટિને બે ભ્રમરની વચ્ચે સ્થિર કરીને, નાકની અંદર ગતિ કરતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇંદ્રિયો, મન અને બુદ્ધિ વશમાં કર્યા છે, તેમ જ જેનાં ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે, એવો મુનિ મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તેને સદા મુક્ત જ માનવો. (૫.૨૭−૨૮) મારો ભક્ત મને બધાં યજ્ઞો અને તપનો ભોક્તા, સંપૂર્ણ લોકોનો મહેશ્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર સમજીને શાંતિને પ્રાપ્ત કરે છે. (૫.૨૯)

ૐ તત્સદિતિ પંચમોધ્યાય:

 

અધ્યાય−૬ આત્મસંયમયોગ

 

કર્મયોગી પણ સંન્યાસી છે

શ્રીભગવાન કહે છે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા ન કરી, કરવા યોગ્ય કર્મ કરે છે, તે સંન્યાસી છે, યોગી છે; પણ અગ્નિરહિત અને કર્તવ્ય−કર્મનો ત્યાગ કરી નિષ્ક્રિય થઇને બેસી રહે છે તે સંન્યાસી કે યોગી કહેવાતો નથી. (૬.૦૧) હે પાંડવ! જેને "સંન્યાસ" કહે છે, તેને તું "યોગ" જાણ; કેમ કે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થઈ શકતો નથી. (૬.૦ર)

યોગ અને યોગીની ઓળખ

નિષ્કામ કર્મયોગ જ સમતાયોગની પ્રાપ્તિનું સાધન છે અને યોગારૂઢ સાધકને માટે સમતાયોગ (અર્થાત્ માનસિક સંતુલન અને આત્મસંયમ) જ ઈશ્વરપ્રાપ્તિનું સાધન છે, જ્યારે મનુષ્ય ઇંદ્રિયોના વિષયો અને કર્મફળમાં આસક્ત નથી થતો ત્યારે દરેક ઈચ્છાઓના ત્યાગ કરવાવાળા (સંતુલિત) મનુષ્યને યોગી કહેવાય છે. (૬.૦૩−૦૪) મન ઉત્તમ મિત્ર અને સૌથી મોટો શત્રુ છે. મનુષ્ય પોતાના મન અને બુદ્ધિ દ્વારા જ પોતે બંધન કે મુક્તિ પામે છે, કેમ કે મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ મનુષ્યનો શત્રુ છે જેણે પોતાના મન ઉપર બુદ્ધિથી વિજય મેળવ્યો છે, તેનું મન તેનું મિત્ર છે, પરંતુ જેની ઇંદ્રિયો વશમાં નથી તેનું મન તેના માટે શત્રુની જેમ વર્તે છે. (૬.૦૫−૦૬) ઠંડી−ગરમી, સુખ−દુ:ખ તથા માન−અપમાનમાં જે મન તથા ઇંદ્રિયોને જીતીને અત્યંત શાંત તથા સમ રહે છે, તેને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. (૬.૦૭) જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો છે, જે વિકારરહિત અને જીતેન્દ્રિય છે તથા માટી, પથ્થર તથા સોનાને સમાન ગણે છે તે યોગી "યોગસિદ્ધ" કહેવાય છે. (૬.૦૮) સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુ, સજ્જન અને પાપીઓમાં પણ સમબુદ્ધિ રાખવાવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. (૬.૦૯)

ધ્યાનના પ્રકાર

યોગીએ એકાંતવાસમાં એકલા રહી ચિત્તને તથા દેહને વશ કરી, આશારહિત અને પરિગ્રહરહિત થઇને અંત:કરણને સદા યોગાભ્યાસમાં રત રાખવું. (૬.૧૦) અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વ્યાઘ્રાંબરવાળું પોતાનું સ્થિર આસન પવિત્ર સ્થાનમાં સ્થાપી તે આસન પર બેસી, મનને એકાગ્ર કરી, ચિત્ત તથા ઇંદ્રિયોની ક્રિયાઓને રોકી અંત:કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. (૬.૧૧−૧૨) દેહ, મસ્તક અને ડોકને સમાન તથા અચળ રાખી, સ્થિર થઈ કોઈપણ દિશાઓમાં ન જોતાં, નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ સ્થિર કરી, અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ, બ્રહ્મચર્યવ્રતમાં રહી, મનને વશ કરી, મારામાં ચિત્ત પરોવી સમાધિમાં બેસવું. (૬.૧૩−૧૪) એમ પોતાના અંત:કરણને નિત્ય યોગમાં જોડતો અને મનને વશ કરનારો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પ્રાપ્ત કરે છે. (૬.૧૫) હે અર્જુન! વધુ ખાનારને કે તદ્દન નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમ જ અતિ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. (૬.૧૬) પણ નિયમથી આહાર−વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ઊંઘનાર−જાગનારને યોગ સાધ્ય બની દુ:ખહારક થાય છે. (૬.૧૭) જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં સ્થિત થાય છે અને સર્વ કામનાઓથી મુક્ત થાય છે, ત્યારે મનુષ્ય યોગારૂઢ કહેવાય છે. (૬.૧૮) જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો હાલતો નથી. તે ઉપમા આત્મનિષ્ઠ યોગીના વશ થયેલા ચિત્તની કહેવામાં આવી છે. (૬.૧૯) જ્યારે ધ્યાનયોગના અભ્યાસથી ચિત્ત શાંત થઈ જાય છે, ત્યારે સાધક બુદ્ધિથી (ધ્યાનથી શુદ્ધ થયેલા મનથી) પરમાત્માના દર્શન કરી પરમાત્મામાં જ રત રહે છે. (૬.૨૦) ઇંદ્રિયોથી પરે અને બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય પરમસુખનો અનુભવ કરીને યોગી પરમાત્માથી ક્યારેય દૂર થતો નથી. (૬.૨૧) પરમાત્માને પ્રાપ્ત કરવાથી સાધકને દુનિયાના બીજા કોઈપણ લાભો વામણા લાગે છે આવી સ્થિતિને પ્રાપ્ત કરનાર યોગી ગમે તેવા મોટા દુ:ખથી પણ વિચલિત (દુ:ખી) થતો નથી. (૬.૨ર) દુ:ખના સંયોગનો વિયોગ એટલે જ યોગ, જેને સમજવો જોઈએ, તેમજ એ ધ્યાનયોગનો અભ્યાસ ઉત્સાહપૂર્વક અને નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. (૬.૨૩) સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને પૂરેપૂરી ત્યજી મન વડે જ ઇંદ્રિયોના સમુદાયને સર્વ તરફથી ધૈર્યપૂવક વશ કરેલી બુદ્ધિથી ધીમે ધીમે વિષયોનો નિગ્રહ કરવો અને ચિત્તને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઇ પણ ચિંતન નહીં કરતાં ધીરે ધીરે સ્થિર બુદ્ધિથી પરમાત્મામાં મન લગાવીને શાંતિ પ્રાપ્ત કરે છે. (૬.૨૪−૨૫) ચંચળ તથા અસ્થિર મન જે જે નિમિત્તથી બહાર ભટકે છે, તે તે નિમિત્તથી તેને રોકી આત્મામાં જ સ્થિત કરવું. (૬.૨૬)

યોગી કોણ?

અતિ શાંત મનવાળા, (કામ, ક્રોધ, લોભ આદિ રજોગુણોથી નિવૃત્ત) પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા યોગીને જ શ્રેષ્ઠ બ્રહ્મસુખ પ્રાપ્ત થાય છે. (૬.૨૭) આ રીતે ચિત્તને સદા સમાધિમાં જોડતો યોગી પાપરહિત થઇ સરળતાથી પરબ્રહ્મના સ્પર્શરૂપ અનંત સુખનો અનુભવ કરે છે. (૬.૨૮) યોગયુક્ત અંત:કરણવાળો, સર્વમાં સમદૃષ્ટિવાળો યોગી બધાં ભૂતોમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે. (૬.૨૯) જે યોગી મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને હું સદા દૃશ્યરૂપ રહું છું. (૬.૩૦) એકત્વપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે સર્વ પ્રકારે વર્તે, તો પણ મારામાં રહે છે. (૬.૩૧) હે અર્જુન! જે સર્વત્ર પોતાની પેઠે સુખ અથવા દુ:ખને સમાન અનુભવે છે, તે યોગીને મેં શ્રેષ્ઠ ગણ્યો છે. (૬.૩૨)

ચંચળ મનને નિયંત્રિત કરવાના બે ઉપાય

અર્જુન કહે છે હે મધુસૂદન! સમદૃષ્ટિ રાખવારૂપ જે યોગ આપે મને કહ્યો એની સ્થિતિ પામવા મનની ચંચળતાને લીધે હું સરળ માનતો નથી. (૬.૩૩) કેમ કે હે શ્રીકૃષ્ણ! મન અતિ ચંચળ, ક્ષોભ કરનાર, બળવાન અને દૃઢ છે. તેનો વિરોધ કરવો એ વાયુની જેમ હું અતિ કઠિન માનું છું. (૬.૩૪) શ્રીભગવાન કહે છે હે મહાબાહો! ખરેખર, મન ચંચળ અને વશ કરવું કઠિન છે; તો પણ હે કૌંતેય! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. (૬.૩પ) જેણે મન વશ કર્યું નથી, તેને માટે યોગ કઠિન છે, પણ મનને વશ કરનારો અને તે માટે યત્ન કરતો મનુષ્ય તે યોગ પ્રાપ્ત કરી શકે છે, એવું મારું માનવું છે. (૬.૩૬)

અસફળ યોગીની ગતિ

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગભ્રષ્ટ થઈ જાય અને એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરી શકે તો તે કઈ ગતિને પ્રાપ્ત કરે છે? (૬.૩૭) હે મહાબાહો! શું તે યોગભ્રષ્ટ થયેલો આશ્રય વિનાનો સાધક બ્રહ્મજ્ઞાનરૂપ માર્ગમાં મૂઢ થઇને છિન્નભિન્ન થયેલા વાદળોની પેઠે નાશ તો નથી પામતો ને? (૬.૩૮) હે શ્રીકૃષ્ણ! મારા આ સંશયનો સંપૂર્ણ નાશ કરવા આપ જ સમર્થ છો, કેમ કે આપ વિના બીજો આ સંશયનો નાશ કરનાર કોઈ મળે તેમ નથી. (૬.૩૯) શ્રીભગવાન કહે છે હે પાર્થ! આ લોકમાં કે પરલોકમાં તેવા યોગીનો કદી વિનાશ થતો નથી; કારણકે હે વહાલા! કલ્યાણ માર્ગનું આચરણ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. (૬.૪૦) તે યોગથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી ત્યાં નિવાસ કરી પછી પવિત્ર સજ્જનોને ઘેર જન્મે છે. (૬.૪૧) અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જ જન્મે છે. ખરેખર, આ લોકમાં આવી જગ્યાએ જન્મ મળવો અતિદુર્લભ છે. (૬.૪ર) હે કુરુનંદન! આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગસાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય જ છે અને ફરીથી યોગસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. (૬.૪૩) પૂર્વના યોગના અભ્યાસને લીધે તે અવશ્ય યોગસિદ્ધિ તરફ ખેંચાય છે. આ જીજ્ઞાસુ શબ્દબ્રહ્મને ઓળંગી આગળ નીકળી જાય છે. (૬.૪૪) ખંતથી યત્ન કરતાં જેનાં પાપ નાશ પામ્યાં છે તે યોગી અનેક જન્મોની સિદ્ધિથી પરમ ગતિ પામે છે. (૬.૪પ)

સૌથી ઉત્તમ યોગી કોણ?

આવો યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ, પરોક્ષ જ્ઞાનીઓથી પણ અધિક, યજ્ઞાદિ કર્મ કરનારાઓથી પણ અધિક ઉત્તમ મનાયો છે. માટે હે અર્જુન! તું યોગી થા. (૬.૪૬) સર્વ યોગીઓમાં જે મારા પ્રત્યે શ્રદ્ધાવાળો, મારામાં ચિત્ત સ્થિર રાખી અંત:કરણ વડે મને ભજે છે, તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું. (૬.૪૭)

ૐ તત્સદિતિ ષષ્ઠોધ્યાય:

 

અધ્યાય−૭ જ્ઞાનવિજ્ઞાનયોગ

શ્રીભગવાન કહે છે હે પાર્થ! મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ, યોગ સાધતાં તું સંશયરહિત થઇને મને સમગ્ર રીતે જાણી શકશે તે વિશે સાંભળ. (૭.૦૧) હું તને બ્રહ્મ અનુભવ (વિજ્ઞાન) સહિત આ સંપૂર્ણ બ્રહ્મવિદ્યા (જ્ઞાન) કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી. (૭.૦૨) હજારો મનુષ્યોમાં કોઇક જ જ્ઞાન સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતા સિદ્ધોમાં પણ કોઇ જ મને સત્ય સ્વરૂપે જાણી લે છે. (૭.૦૩)

પ્રકૃતિ, પુરુષ અને આત્માની ઓળખ

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારના ભેદવાળી મારી આ પ્રકૃતિ છે. (૭.૦૪) આ પ્રકૃતિ અપરા અર્થાત્ જડ છે, પણ હે મહાબાહો! મારી બીજી પરા અર્થાત્ ચેતન (પુરુષ) પ્રકૃતિને જીવરૂપ જાણ, જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે. (૭.૦૫) સર્વભૂતો આ બે પ્રકારની શક્તિ પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થયાં છે એમ તું જાણ અને સમગ્ર જગતની ઉત્ત્પત્તિનું તથા સંહારનું કારણ હું છું. (૭.૦૬)

પરમાત્મા બધી વસ્તુઓનો આધાર

હે ધનંજય! મારાથી અધિક ઉત્તમ બીજું કંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની જેમ આ સર્વ બ્રહ્માંડ મારામાં પરોવાયેલું છે. (૭.૦૭) હે કૌંતેય! જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું; સર્વ વેદોમાં પ્રણવ અર્થાત્ ૐકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પૌરુષત્વ હું છું. વળી, પૃથ્વીમાં પાવક ગંધરૂપે અને અગ્નિમાં તેજરૂપે પણ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવનરૂપે અને તપસ્વીઓમાં તપરૂપે હું છું. (૭.૦૮−૦૯) હે પાર્થ! સર્વભૂતોનું સનાતન બીજ ઉત્પત્તિનું કારણ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. હે ભરતશ્રેષ્ઠ! કામ અને રાગ વિનાનું બળવાનોનું સાત્ત્વિક બળ હું છું. બધા પ્રાણીઓમાં રહેલો ધર્મને અનુકૂળ જે કામ (સંતાનની ઉત્પત્તિ માટે) છે તે પણ હું છું. (૭.૧૦−૧૧) વળી જે સાત્ત્વિક, રાજસિક તથા તામસિક ભાવો અને પદાર્થો છે, તેઓ મારાથી જ ઉત્પન્ન થયેલાં છે એમ તું જાણ. તેઓ સર્વ મારા આશ્રિત છે પરંતુ હું તેમના પ્રભાવમાં નથી. (૭.૧૨) આ સર્વ જગત આ ત્રણ પ્રકારથી મોહિત છે માટે તેનાથી વિપરીત − વિલક્ષણ અને વિકારરહિત મને કોઇ જાણી શકતું નથી. (૭.૧૩)

પ્રભુની શોધ કોને હોય?

કેમ કે મારી આ ત્રિગુણમયી દૈવી માયા ઓળંગવી અતિ કઠિન છે. જેઓ મારે શરણે આવે છે, તેઓ મારી કૃપાથી આ માયાને ઓળંગે છે. (૭.૧૪) માયાએ મોહિત કરેલા અજ્ઞાનવાળા, મૂઢ પાપી અને આસુરી ભાવને આશ્રયે રહેનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. (૭.૧૫) હે ભરતશ્રેષ્ઠ! ચાર પ્રકારના ઉત્તમ કર્મ કરનારા મનુષ્યો − દુ:ખી, પરમાત્માને જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ, ધનઈચ્છુક અને જ્ઞાની મને ભજે છે. (૭.૧૬) સદા મારા ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળો અને મારા પ્રત્યે એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની શ્રેષ્ઠ છે; કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. (૭.૧૭) એ બધા ભક્તો શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ, સર્વમાં ગતિરૂપ મને જ આશ્રય કરી સ્થિર રહે છે. (૭.૧૮) ઘણા જન્મોને અંતે આ બધું "વાસુદેવ જ છે" એવું સમજી તે જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે. તે મહાત્મા અતિ દુર્લભ છે. (૭.૧૯) જે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે, એટલે કે તેઓને જ ભજે છે. (૭.૨૦)

ભક્તિના કોઇપણ ઇચ્છિત રૂપની મૂર્તિમાં પ્રભુનું દર્શન સંભવ

જે જે મનુષ્ય જે જે દેવસ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજા−ભક્તિ કરવા ઈચ્છે છે, તે તે ભક્તની તે સ્વરૂપ વિશે હું શ્રદ્ધાને દૃઢ કરું છું. મેં સ્થિર કરેલી તે શ્રદ્ધાથી યુક્ત થઈ, તે તે દેવનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. (૭.૨૧−૨૨) પરંતુ અલ્પ બુદ્ધિવાળાનું તે ફળ વિનાશી હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે. (૭.૨૩) અજ્ઞાની મનુષ્ય "હું" પરબ્રહ્મ પરમાત્માના − મન, બુદ્ધિ તથા વાણીથી પરે, પરમ અવિનાશી દિવ્ય સ્વરૂપને નથી જાણતા અને તેથી એવું સમજી લે છે કે હું રૂપ વગરનો નિરાકાર છું અને રૂપ ધારણ કરું છું. (૭.૨૪) યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. તેથી મારી માયાથી મોહિત મૂઢ, અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી. (૭.૨પ) હે અર્જુન! ભૂતકાળમાં થઈ ગયેલા તથા ભવિષ્યકાળમાં થનારા સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઇ જાણતું નથી. (૭.ર૬) હે ભરતવંશી પરંતપ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતાં રાગદ્વેષાદિ દ્વંદ્વના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે, તેઓ રાગદ્વેષાદિ દ્વંદ્વના મોહથી છૂટી દૃઢ વ્રતવાળા થઈ મને ભજે છે. (૭.૨૮) જેઓ મારો આશ્રય કરી જન્મ અને મરણથી છૂટવા યત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે. (૭.૨૯) જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, તે મારામાં સમત્વ ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે − મારામાં લીન થાય છે. (૭.૩૦)

ૐ તત્સદિતિ સપ્તમોધ્યાય:

 

અધ્યાય−૮ અક્ષરબ્રહ્મયોગ

અર્જુન કહે છે હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અને અધિદેવ શું કહેવાય છે? તે મને સમજાવો. અધિયજ્ઞ કોણ છે અને તે આ દેહમાં કયા પ્રકારે રહે છે? હે મધુસૂદન! એકાગ્ર ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? (૮.૦૧−૦૨)

બ્રહ્મ, આત્મા, જીવાત્મા અને કર્મની ઓળખ

શ્રીભગવાન કહે છે પરમાત્મા બ્રહ્મ કહેવાય છે. તેનો સ્વભાવ ચૈતન્ય અધ્યાત્મ કહેવાય છે; અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનારી બ્રહ્મની ક્રિયાશક્તિ એ કર્મ કહેવાય છે. (૮.૦૩) નાશવંત પદાર્થ અધિભૂત છે, હિરણ્યગર્ભ પુરુષ અર્થાત્ અક્ષરબ્રહ્મ અધિદેવ છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ આ દેહમાં અંર્તયામી અધિયજ્ઞ છું. (૮.૦૪)

પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મ

મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય છે. તે મારા સ્વરૂપને પામે છે, એમાં કોઇ સંશય નથી. (૮.૦૫) હે કૌંતેય! મનુષ્ય અંતકાળે જે જે વસ્તુને યાદ કરતાં શરીર છોડે છે, તે તેને પામે છે; કેમ કે સદા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે. (૮.૦૬)

પ્રભુપ્રાપ્તિનો સહેલો માર્ગ

માટે સર્વ કાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ (કર્તવ્ય−કર્મ) કર. મારામાં મન−બુદ્ધિ રાખવાથી તું અવશ્ય મને જ પામીશ. (૮.૦૭) હે પાર્થ! અભ્યાસયોગથી યુક્ત અને અન્યત્ર નહીં જનારા ચિત્ત વડે સદા મારું ચિંતન કરતાં મનુષ્ય પરમ દિવ્ય પરબ્રહ્મને પામે છે. (૮.૦૮) સર્વજ્ઞ, પુરાણ, સર્વના નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના ધારક−પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય જેવા તેજસ્વી વર્ણવાળા અને અજ્ઞાનરૂપ અંધકારથી દૂર એવા દિવ્ય પુરુષ પરમેશ્વરનું, જે વારંવાર સ્મરણ કરે છે તે મરણ સમયે ભક્તિ તથા યોગબળથી યુક્ત, અચળ મન વડે બે ભૃકુટિની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. (૮.૦૯−૧૦) વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, સ્પૃહારહિત મુનિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે અક્ષરબ્રહ્મને હું તને ટૂંકમાં કહીશ. (૮.૧૧)

મૃત્યુકાળમાં પ્રભુધ્યાનથી મોક્ષ−પ્રાપ્તિ

ઇંદ્રિયરૂપી સર્વ દરવાજાને નિયમમાં રાખી, મનને હૃદયમાં રાખી, પોતાના પ્રાણને મસ્તકમાં ધારણ કરી, યોગધારણામાં રહેલો જે પુરુષ "" એવા એકાક્ષર બ્રહ્મનો જપ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી જાય છે, તે પરમગતિ પામે છે. (૮.૧૨−૧૩) હે અર્જુન! જે બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે, તે નિત્ય સમાહિત ચિત્તવાળા યોગીને હું સુલભ છું. (૮.૧૪) પરમ મુક્તિને સિદ્ધ મહાત્માઓ પામી દુ:ખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી. (૮.૧૫) હે અર્જુન! બ્રહ્મલોક પર્યન્ત જે સર્વ લોક છે તે સર્વ લોકને પામવાથી પણ મનુષ્ય ફરી જન્મ પામે છે; પરંતુ હે કૌંતેય! મને પામીને ફરી જન્મ પામતો નથી. (૮.૧૬)

સૃષ્ટિમાં બધું જ આવર્તીત છે

જે સહસ્ત્ર યુગ (અર્થાત્ ૪.૦૩૨ કરોડ વર્ષ) સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને સહસ્ત્ર યુગ સુધીની જે રાત્રિ છે; તેને જેઓ જાણે છે, તેઓ દિવસ−રાત્રિના પરિણામને જાણનારા છે. (૮.૧૭) બહ્માના દિવસનો આરંભ થતાં બ્રહ્માની સુષુપ્ત અવસ્થામાંથી સર્વભૂતો ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિનો આરંભ થતાં તે જ અવ્યક્ત નામની અવસ્થામાં લય પામે છે. (૮.૧૮) હે પાર્થ! તે જ સર્વભૂતોનો સમૂહ ઉત્પન્ન થઇ બ્રહ્માની રાત્રિ આવતાં પરવશ થઈ લય પામે છે અને બ્રહ્માનો દિવસ આવતાં ફરી ઉત્પન્ન થાય છે. (૮.૧૯) પરંતુ આ અવ્યક્તથી શ્રેષ્ઠ બીજો અવ્યક્ત સનાતન અક્ષર બ્રહ્મરૂપ ભાવ છે, તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતાં નથી. જે અવ્યક્ત "અક્ષર" કહેવાય છે એને જ પરમ ગતિ કહે છે; જેને પામીને જ્ઞાનીઓ સંસારમાં પુનર્જન્મ પામતાં નથી, તે મારું પરમધામ છે. (૮.૨૦−૨૧) હે પાર્થ! જેની અંદર આ સર્વભૂતો રહ્યા છે અને જેના વડે આ સર્વ સૃષ્ટિ વ્યાપ્ત છે, તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૮.૨૨)

સંસારથી દૂર જવાના બે પ્રમુખ માર્ગ

હે ભરતશ્રેષ્ઠ! જે સમયમાં મૃત્યુ પામેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે સમયમાં મૃત ફરી જન્મે છે તે કાળ વિશે હું કહું છું. (૮.૨૩) એ બે જાતના માર્ગમાં જ્યોતિર્મય અગ્નિ, પ્રકાશ, દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના (જ્ઞાન) છ મહિનાવાળા માર્ગથી જાય છે તે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. (અને પુન: સંસારમાં પાછાં આવતાં નથી.) (૮.૨૪) ધૂમાડો, રાત્રિ, કૃષ્ણપક્ષ અને દક્ષિણાયનના (અજ્ઞાન) છ મહિનાવાળા માર્ગથી જનારા યોગી સ્વર્ગસુખ ભોગવી પાછાં જન્મે છે. (૮.રપ) કેમ કે જગતની આ શુક્લ (જ્ઞાન) અને કૃષ્ણ (અજ્ઞાન) ગતિઓ નિત્ય છે; એકમાં ગયેલો પાછો આવતો નથી અને બીજામાં ગયેલો ફરી સંસારમાં જન્મે છે. (૮.૨૬)

આત્મજ્ઞાનથી મુક્તિ

હે પાર્થ! બંને માર્ગોને જાણનાર યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન! સર્વકાળે યોગયુક્ત થા. (૮.ર૭) આ ગતિઓ વિશે જાણ્યા પછી સર્વ યોગીઓ વેદોમાં, યજ્ઞોમાં, તપમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ શાસ્ત્રમાં કહ્યું છે, તે સર્વને પાર કરી જાય છે અને સનાતન પરમપદને પામે છે. (૮.૨૮)

ૐ તત્સદિતિ અષ્ટમોધ્યાય:

 

અધ્યાય−૯ રાજવિદ્યારાજગુહ્યયોગ

 

બ્રહ્મનું તત્ત્વજ્ઞાન ઘણું જ રહસ્યમય છે

શ્રીભગવાન કહે છે અસૂયા વગરના એવા તને હું આ ગૂઢમાં ગૂઢ વિજ્ઞાનયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અશુભથી મુક્ત થઇશ. (૯.૦૧) આ જ્ઞાન બધી વિદ્યાઓનો અને જ્ઞાનનો રાજ, બધી ગૂઢતાનો રાજા, સૌથી ઉત્તમ, શ્રેષ્ઠ ધર્મમય, સુખદ, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું, મેળવવામાં સરળ અને અક્ષય છે. (૯.૦૨) હે પરંતપ! આ ધર્મમાં જે મનુષ્યો શ્રદ્ધા રાખતા નથી તે મને ન પામતાં મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભટક્યા કરે છે. (૯.૦૩) આ સર્વ જગત પરબ્રહ્મ પરમાત્મા એવા મારી આદિ પ્રકૃતિ અર્થાત્ અક્ષરબ્રહ્મનો વિસ્તાર છે. સર્વભૂતો મારામાં સ્થિત છે, પણ હું તેઓમાં સ્થિત નથી. (૯.૦૪) વળી સર્વભૂતો મારામાં રહેલાં નથી એમ પણ કહેવાય. મારું ઐશ્વર્યયુક્ત યોગબળ તું જો! ભૂતોને ઉત્પન્ન કરનારો તથા ભૂતો ધારણ કરનારો મારો આત્મા ભૂતોમાં સ્થિત નથી. (૯.૦૫) જેમ સર્વત્ર ગતિ કરનારો મહાન વાયુ આકાશમાં નિત્ય રહેલો છે, તેમ સર્વભૂતો મારામાં સ્થિત છે એમ તું જાણ. (૯.૦૬)

સૃષ્ટિની ૨ચના અને પ્રલયનો સિદ્ધાંત

હે કૌંતેય! પ્રલયકાળે સર્વભૂતો સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે. તેમને હું સૃષ્ટિના આરંભથી ફરી ઉત્પન્ન કરું છું. (૯.૦૭) મારી માયામય પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરવશ એવા ભક્તોના સમૂહને હું વારંવાર સર્જુ છું. (૯.૦૮) હે ધનંજય! વળી તે કર્મોમાં હું આસક્તિરહિત અને ઉદાસીન રહેતો હોવાથી તે કર્મો મને બાંધતા નથી. (૯.૦૯) હે કૌંતેય! મારી અધ્યક્ષતાને લીધે મારી પ્રકૃતિ, જડ−ચેતન સહિત સર્વ જગતને ઉત્પન્ન કરે છે. એથી જગતનો ક્રમ ચાલ્યા કરે છે. (૯.૧૦)

જ્ઞાની અને અજ્ઞાનીઓના માર્ગ

મારા પરમ ભાવને ન જાણનારા અવિવેકી મનુષ્યો જ્યારે હું મનુષ્ય દેહ ધારણ કરું છું ત્યારે મારી અવજ્ઞા કરે છે. આવા મિથ્યા આશાવાળા, મિથ્યા કર્મવાળા, મિથ્યા જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના મનુષ્યો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય કરનારા હોય છે. (૯.૧૧−૧૨) પરંતુ હે પાર્થ! મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણરૂપ અને અવિનાશી રૂપે જાણીને અનન્ય મનથી મને ભજે છે. (૯.૧૩) મને પામવા માટે યત્ન કરતા તેઓ દૃઢ વ્રત ધારણ કરીને સર્વદા મારું કીર્તન કરતાં અને મને નમન કરતાં સદા સાવધાન મનવાળા રહી મારી ઉપાસના કરે છે. (૯.૧૪) ઘણા સાધકો જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કરી મારી ઉપાસના કરે છે. હું સર્વત્ર રહેલો છું, એવા કેટલાક મનુષ્યો એકત્વપણાથી (અદ્વૈતભાવ) તો કેટલાક ભેદભાવથી (દ્વૈતભાવ) અને કેટલીક જાતજાતના પ્રકારે મારી ઉપાસના કરે છે. (૯.૧૫)

બધું જ પરમાત્માનો વિસ્તાર છે

હું સોમયાગાદિ છું, હું વૈશ્વદેવ યજ્ઞ છું, પિતૃઓને અર્પણ કરાતું અન્ન હું છું, હું ઔષધ છું, હું મંત્ર છું, હું હોમવામાં આવતું ઘી છું, હું અગ્નિ છું અને હોમવાની ક્રિયા પણ હું જ છું. આ જગતનો પિતા, માતા, ધાતા અને પિતામહ પણ હું છું. વેદ વડે જાણવા યોગ્ય, પવિત્ર, ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યર્જુવેદ પણ હું છું. સર્વની કર્મફળરૂપ ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, મિત્ર, ઉત્પાદક, સંહારક, સ્થિતિ, આધાર તથા અવિનાશી બીજ પણ હું છું. (૯.૧૬−૧૮) હે અર્જુન! આ સંસારના હિત માટે હું જ સૂર્યરૂપે તપું છું, જળ એકત્ર કરું છું તથા વૃષ્ટિકર્તા હું છું, અમૃત તથા મૃત્યુ, સત્ અને અસત્ હું જ છું. (૯.૧૯)

અનન્ય પ્રેમ−ભક્તિથી મોક્ષપ્રાપ્તિ

ત્રણ વેદ જાણનારા તથા (ભક્તિરૂપી) સોમરસ પીનારા પાપરહિત મનુષ્યો મને પૂજી સ્વર્ગપ્રાપ્તિની ઈચ્છા કરે છે. તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં જઈ દેવતાઓના દિવ્ય દેહો મેળવી ભોગો પ્રાપ્ત કરે છે. (૯.૨૦) તે જીવો સ્વર્ગલોક ભોગવી, પુણ્યનો ક્ષય થાય છે ત્યારે ફરી મનુષ્યલોક પામે છે; એમ વેદ ધર્મનો આશ્રય કરનારા અને દિવ્ય ભોગોને ઈચ્છતા મનુષ્યો સંસારમાં આવ−જા કરે છે. (૯.૨૧) જે અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે, તે નિષ્કામ ભક્તો નિત્ય મારામાં તત્પર રહે છે તથા તેમના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. (૯.૨ર) હે કૌંતેય! જે ભક્તો શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓની ઉપાસના કરે છે, તેઓ પણ અવિધિપૂર્વક તો મને જ પૂજે છે. (૯.૨૩) ખરેખર સર્વ યજ્ઞોનો ભોક્તા અને ફળ આપનાર પરમાત્મા હું જ છું. આમ, જેઓ મને તત્ત્વથી જાણતા નથી; તેઓ બીજાને ઉપાસી જન્મ−મૃત્યુના ચક્રમાં પડે છે. (૯.૨૪) દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું પૂજન કરનારા પિતૃઓને પામે છે, ભૂત−પ્રેતનું પૂજન કરનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને જ પામે છે (અને તેમનો પુનર્જન્મ થતો નથી). (૯.૨પ) જે મને ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, પાણી વગેરે અર્પણ કરે છે, તે શુદ્ધ ચિત્તવાળાના ભક્તિપૂર્વક અર્પણ કરેલા પદાર્થો હું ગ્રહણ કરું છું. (૯.૨૬) હે કૌંતેય! તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, તે સર્વ મને અર્પણ કર. (૯.ર૭) એ રીતે પ્રભુને અર્પણ કરવાથી તું શુભાશુભ ફળવાળાં કર્મબંધનોથી મુક્ત થઈશ અને સંન્યાસ યોગવાળો બની સંપૂર્ણ મુક્ત થઈ મને પ્રાપ્ત કરીશ. (૯.૦૨૮)

કોઇ અક્ષમ્ય પાપી નથી

હું સર્વભૂતોમાં સમભાવમાં છું. મને કોઈ દ્વેષ કરવા યોગ્ય નથી કે પ્રિય નથી; તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે, તેઓ મારામાં છે અને હું તેઓમાં સ્થિત છું. (૯.૨૯) અત્યંત દુરાચારી પણ જો મને અનન્યભાવથી ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો, કારણ કે તે મારામાં ઉત્તમ નિશ્ચયવાળો થયો છે. (૯.૩૦) તે જલ્દી ધર્માત્મા થાય છે અને નિત્ય શાંતિ મેળવે છે. હે કૌંતેય! તું અવશ્ય સમજી લે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. (૯.૩૧)

ભક્તિમાર્ગ બીજા માર્ગો કરતાં સરળ

કેમ કે પાર્થ ગમે તેવા પાપકર્મી હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે શૂદ્રો હોય, પણ તેઓ શ્રદ્ધાથી મારો આશ્રય કરે તો તે પરમગતિ પ્રાપ્ત કરે છે. (૯.૩ર) તો પછી પુણ્યશાળી બાહ્મણો, ભક્તો તથા રાજર્ષિ પરમગતિ પામે એમાં વિસ્મય શું? ક્ષણભંગુર અને સુખરહિત આ લોકોને પામેલો, તું મને જ ભજ. (૯.૩૩) તું મારામાં ચિત્ત રાખ, મારો ભક્ત થા અને મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એ પ્રકારે મારામાં અંત:કરણને જોડી મારા પરાયણ થયેલો તું નિ:શંક મને જ પામીશ. (૯.૩૪)

ૐ તત્સદિતિ નવમોધ્યાય:

 

અધ્યાય−૧૦ વિભૂતિયોગ

 

પરમાત્મા બધી વસ્તુનું મૂળ છે

શ્રીભગવાન કહે છે હે અર્જુન મારા પરમ વચનને તું ફરી સાંભળ, જેને હું તારા જેવા અતિશય પ્રેમ રાખનારના હિત માટે કહીશ. (૧૦.૦૧) મારી ઉત્પત્તિને દેવતા, મહર્ષિ વગેરે કોઈ પણ જાણતા નથી, કારણ કે હું બધા દેવતાઓ તથા મહર્ષિઓનું પણ આદિ કારણ છું. (૧૦.૦૨) જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોના મહાન ઈશ્વર જાણે છે, તે મનુષ્યોમાં જ્ઞાની છે અને બધા પાપોમાંથી છૂટી જાય છે. (૧૦.૦૩) બુદ્ધિ, જ્ઞાન, મોહરહિત, ક્ષમા, સત્ય, ઈંદ્રિયનિગ્રહ, મનનો નિગ્રહ, સુખ, દુ:ખ, ઉત્પત્તિ, નાશ, પ્રલય, ભય, અભય, અહિંસા, સમભાવ (સમતા), સંતોષ, તપ, દાન, યશ, અપયશ વગેરે પ્રાણીઓના જુદા−જુદા પ્રકારના ભાવો મારામાંથી જ પ્રકટ થાય છે. (૧૦.૦૪−૦૫) સાત મહર્ષિ, એના પહેલાંના ચાર સનકાદિ અને ચૌદ મનુએ બધા મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે, જેમની સંસારમાં આ સારી (સઘળી) પ્રજા છે. (૧૦.૦૬) જે મનુષ્ય મારી આ વિભૂતિ અને યોગમાયાને તત્ત્વથી જાણે છે, તે અવિચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે, તેમાં કોઈપણ સંશય નથી. (૧૦.૦૭) હું જ સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ જગતનો વિકાસ થાય છે. એવું જાણી બુદ્ધિમાન ભક્તો શ્રદ્ધાપૂર્વક મને, પરમેશ્વરને જ ભજે છે. (૧૦.૦૮) મારામાં જ ચિત્તને સ્થિર રાખનાર અને મારી શરણમાં આવનાર ભક્તો પરસ્પર મારા ગુણ, પ્રભાવનું કથન કરતાં કરતાં નિરંતર સંતોષી રહીને રમ્યા કરે છે. (૧૦.૦૯)

પ્રભુ ભક્તોને જ્ઞાન આપે છે

નિરંતર મારા ધ્યાનમાં રહી પ્રેમપૂર્વક મારું ભજન કરનાર ભક્તોને હું તત્ત્વજ્ઞાન તથા વિવેક આપું છું, જેનાથી તે મને પામે છે. (૧૦.૧૦) એમના ઉપર કૃપા કરી એમના અંત:કરણમાં રહેનાર હું એમના અજ્ઞાનજનિત અંધકારને તત્ત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. (૧૦.૧૧) અર્જુન કહે છે આપ પરમબ્રહ્મ, પરમધામ અને પરમપવિત્ર છો, આપ સનાતન દિવ્ય પુરુષ, આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી છો, એવું દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વિગેરે સમસ્ત ઋષિજન તથા આપ પોતે પણ મને કહો છો. (૧૦.૧૨−૧૩)

બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ કોઇ જાણતું નથી

હે કેશવ, મને આપ જે કંઇ કહી રહ્યા છો એ સર્વને હું સત્ય માનું છું. હે ભગવાન, આપનું વાસ્તવિક સ્વરૂપ ન તો દેવતા જાણે છે અને ન તો દાનવ. (૧૦.૧૪) હે પ્રાણીઓને ઉત્પન્ન કરનાર, હે ભૂતેશ, હે દેવોના દેવ, જગતના સ્વામી, પુરુષોત્તમ, આપ પોતે જ આપને જાણો છો. (૧૦.૧૫) માટે આપની જે દિવ્ય વિભૂતિઓ કે જેનાથી આપ આ સકળ લોકોમાં વ્યાપી રહેલા છો તે સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આપ જ સમર્થ છો. (૧૦.૧૬) હે યોગેશ્વર, હું આપને નિરંતર ચિંતન કરતો કેવી રીતે જાણી શકું અને હે ગવન, કયા કયા ભાવો દ્વારા હું આપનું ચિંતન કરું? (૧૦.૧૭) હે જનાર્દન, તમો તમારી યોગશક્તિ અને વિભૂતિઓને ફરીથી વિસ્તારપૂર્વક કહો, કારણ કે તમારા અમૃત જેવાં વચનોને સાંભળીને તૃપ્તિ થતી નથી. (૧૦.૧૮)

સંપૂર્ણ સૃષ્ટિ પરબ્રહ્મનો વિસ્તાર છે

શ્રીભગવાન કહે છે હે કુરુશ્રેષ્ઠ! હવે હું મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓને તારા માટે સંક્ષેપમાં કહીશ, કેમ કે મારા વિસ્તારનો તો અંત જ નથી. (૧૦.૧૯) હે અર્જુન, હું સર્વ પ્રાણીઓના અંત:કરણમાં (હૃદયમાં) રહેલો આત્મા છું તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. (૧૦.૨૦) હું અદિતિના (બાર) પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય છું, વાયુ દેવતાઓમાં મરીચિ અને નક્ષત્રોમાં ચંદ્ર છું. (૧૦.૨૧) હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઈન્દ્ર છું, ઇંદ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના છું. (૧૦.૨૨) હું રુદ્રોમાં શંકર છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર છું, વસુઓમાં અગ્નિ અને પર્વતોમાં સુમેરુ પર્વત છું. (૧૦.૨૩) હે પાર્થ, મને પુરોહિતોમાં એના મુખ્ય બૃહસ્પતિ જાણ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. (૧૦.૨૪) હું મહર્ષિઓમાં ભૃગુ અને શબ્દોમાં કાર છું, હું યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થિર રહેનારમાં હિમાલય પર્વત છું. (૧૦.૨૫)

દૈવી વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન

હું સર્વ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. (૧૦.૨૬) હું અશ્વોમાં અમૃતની સાથે સમુદ્રમાંથી પ્રકટ થયેલા ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા, શસ્ત્રોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાનની ઉત્પત્તિ માટે કામદેવ અને સર્પોમાં વાસુકિ છું. (૧૦.૨૭−૨૮) હું નાગોમાં શેષનાગ, જળના દેવતાઓમાં વરૂણ, પિતૃઓમાં અર્યમા અને શાસન કરનારમાં યમરાજ, દિતિના વંશોમાં પ્રહલાદ, ગણના કરનારમાં સમય, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. (૧૦.૨૯−૩૦) હું પવિત્ર કરનારમાં વાયુ છું અને શસ્ત્રધારીઓમાં રામ છું, જળચરોમાં મગર અને નદીઓમાં પવિત્ર ગંગા નદી છું. (૧૦.૩૧) હે અર્જુન, સારી સૃષ્ટિમાં આદિ, મધ્ય અને અંત પણ મારામાંથી જ થાય છે, હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને વિવાદ કરનારનો તર્ક છું. (૧૦.૩૨) હું અક્ષરોમાં આકાર અને સમાસમાં દ્વંદ્વ સમાસ છું. અક્ષયકાળ અર્થાત્ અકાળ પુરુષ તથા વિરાટ સ્વરૂપથી સર્વનું પાલન−પોષણ કરનાર પણ હું છું. (૧૦.૩૩) હું સર્વનો નાશ કરનાર મૃત્યુ અને ભવિષ્યમાં થનારની ઉત્પત્તિનું કારણ છું. સંસારની સાત શ્રેષ્ઠ દેવીઓ − જે કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમાની અધિષ્ઠાત્રી છે, તે પણ હું જ છું. (૧૦.૩૪) હું સામવેદમાં ગવાતા મંત્રોમાં બૃહત્સામ, વૈદિક છંદોમાં ગાયત્રી છંદ, મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંતઋતુ છું. (૧૦.૩૫) હું છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, તથા વિજય, નિશ્વય અને સાત્ત્વિક મનુષ્યોમાં સાત્ત્વિક ભાવ પણ હું જ છું. (૧૦.૩૬) હું વૃષ્ણિવંશીઓમાં કૃષ્ણ, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય છું. (૧૦.૩૭) હું દમન કરનારમાં દંડનીતિ અને વિજય ઈચ્છનારાઓમાં નીતિ છું. હું ગુપ્તનીય ભાવોમાં મૌન છું. જ્ઞાનીઓનું તત્ત્વજ્ઞાન છું. (૧૦.૩૮) હે અર્જુન, સર્વ પ્રાણીઓનું ઉત્પત્તિનું બીજ હું જ છું, કારણ કે ચર અને અચર કોઇનું અસ્તિત્વ મારા વગર નથી. (અર્થાત્ બધું જ મારું સ્વરૂપ છે) (૧૦.૩૯)

સૃષ્ટિ પરબ્રહ્મનો લઘુતમ અંશ માત્ર

હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો અંત જ નથી, મેં તને મારી વિભૂતિઓના વિસ્તારનું વર્ણન સંક્ષેપમાં કહ્યું છે. (૧૦.૪૦) જે જે વિભૂતિયુક્ત (ઐશ્વર્યવાળી), કાંતિયુક્ત (શોભાવાળી) અને શક્તિયુક્ત વસ્તુ છે, તેને તું મારા તેજના એક અંશની અભિવ્યક્તિ જ જાણ. (૧૦.૪૧) હે અર્જુન, તારે વધારે જાણવાની શી જરૂર છે? હું મારા તેજ અર્થાત્ યોગમાયાના એક અંશમાત્રમાંથી જ સર્વ જગતને ધારણ કરીને સ્થિર રહું છું. (૧૦.૪૨)

ૐ તત્સદિતિ દશમોધ્યાય:

 

અધ્યાય−૧૧ વિરાટરૂપદર્શનયોગ

 

પ્રભુદર્શન ભક્તનો પરમ ધ્યેય

અર્જુન કહે છે આપને મારા પર કૃપા કરીને જે પરમ ગોપનીય અધ્યાત્મતત્ત્વ કહ્યું, જેનાથી મારો ભ્રમ નષ્ટ થયો છે. (૧૧.૦૧) હે કમલનયન કૃષ્ણ, મેં આપની પાસેથી પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય તથા આપના અવિનાશી મહાત્મ્યને વિસ્તારપૂર્વક સાંભળ્યાં. (૧૧.૦૨) હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો, તે ઠીક છે, પરંતુ હે પુરુષોત્તમ, હું તમારું ઈશ્વરીયરૂપ મારી આંખોથી જોવા ઇચ્છું છું. (૧૧.૦૩) હે પ્રભો, જો આપને લાગે કે મારાથી આપનું વિરાટરૂપ જોવાનું સંભવ છે, તો હે યોગેશ્વર, આપ પોતાના દિવ્ય વિરાટરૂપનું દર્શન કરાવો. (૧૧.૦૪) શ્રીભગવાન કહે છે હે પાર્થ, હવે તું મારા અનેક જાતના અને અનેક રંગ તથા આકૃતિવાળા સેંકડો−હજારો દિવ્યરૂપોને જો. (૧૧.૦૫) હે ભારત, મારામાં આદિત્યો, વસુઓ, રુદ્રો તથા અશ્વિનીકુમારો અને મરુદગણોને જો તથા બીજાં ઘણાં બધાં, પહેલાં ન જાયેલાં આશ્ચર્યમય રૂપને જો. (૧૧.૦૬) હે અર્જુન, હવે મારા શરીરમાં એક જ જગ્યા પર સ્થિર રહેલાં ચર અને અચર સાથે સારા જગતને તથા જે પણ જોવા ઇચ્છતો હોય, તેને પણ જોઈ લે. (૧૧.૦૭) પરંતુ તું તારી આ આંખોથી મને નહીં જોઇ શકે, એટલે મારી યોગશક્તિને જોવા માટે હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. (૧૧.૦૮)

શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું

સંજય કહે છે હે રાજન્, મહાયોગેશ્વર હરિએ એવું કહીને અર્જુનને ઐશ્વર્યયુક્ત પરમ દિવ્યરૂપનું દર્શન કરાવ્યું. (૧૧.૦૯) અર્જુને ભગવાન શ્રીકૃષ્ણના અનેક મુખ અને નેત્રોવાળા અદ્ભુત દૃશ્યોવાળા, અનેક દિવ્ય આભૂષણોવાળા, ઘણાં બધા દિવ્ય શસ્ત્રોને હાથમાં લીધેલા, દિવ્ય માળા અને વસ્ત્રોને ધારણ કરેલા, દિવ્ય ગંધનું લેપવાળું, સર્વ પ્રકારના આશ્ચર્યોથી યુક્ત, અનંત વિરાટ સ્વરૂપનું દર્શન કર્યુ. (૧૧.૧૦−૧૧) આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાની સાથે જે પ્રકાશ ઉત્પન્ન થાય તે પણ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હોય. (૧૧.૧૨) એ વખતે પાંડુપુત્ર અર્જુને દેવોના દેવ શ્રીકૃષ્ણ ભગવાનના દિવ્ય શરીરમાં અનેક પ્રકારના વિભાગોમાં વિભક્ત પરંતુ એક જ જગ્યામાં એકત્રિત સંપૂર્ણ જગતને જોયું. (૧૧.૧૩)

પ્રભુદર્શન માટે બધા યોગ્ય નથી, નથી બધા દી્રક્ષિત

(ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈને) અર્જુન બહુ જ ચકિત થયો અને આશ્ચર્યથી એનું શરીર પુલકિત થઈ ગયું. અર્જુને હાથ જોડી વિરાટરૂપ દેવને (શ્રદ્ધા અને ભક્તિ સાથે) માથું નમાવી પ્રણામ કરીને કહ્યું. (૧૧.૧૪) અર્જુન કહે છે હે દેવ, હું આપના શરીરમાં દેવતાઓને, પ્રાણીઓના અનેક સમુદાયોને, કમલ પર બેઠેલા બ્રહ્માજી, મહાદેવજી, સમસ્ત ઋષિગણ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. (૧૧.૧૫) હે વિશ્વેશ્વર, આપને હું અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોવાળા તથા સર્વ બાજુએ અનંતરૂપવાળા જોઉ છું. હે વિશ્વરૂપ, હું આપનો ન તો અંત, ન તો મધ્ય અને ન તો આદિને જોઉં છું. (૧૧.૧૬) હું આપના મુકુટ, ગદા અને ચક્ર ધારણ કરેલા, બધી બાજુથી પ્રકાશમાન તેજના પૂંજ જેવા, પ્રજ્વલિત અગ્નિ અને સૂર્ય જેવા જ્યોતિવાળા તથા નેત્રોથી જોવામાં અત્યંત મુશ્કેલ અને અપરિમિત રૂપને જોઈ રહ્યો છું. (૧૧.૧૭) આપ જ જાણવા યોગ્ય અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્મા છો, આપ જ આ વિશ્વના પરમ આશ્રય છો. સનાતન ધર્મના રક્ષક છો, આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. (૧૧.૧૮) હું આપને આદિ, મધ્ય અને અંત વિનાના તથા અનંત પ્રભાવશાળી અને અનંત ભૂજાવાળા તથા ચંદ્રમા અને સૂર્ય જેવા નેત્રોવાળા અને પ્રજ્વલિત અગ્નિરૂપી મુખોવાળા તથા પોતાના તેજથી વિશ્વને તપાવો છો તે જોઈ રહ્યો છું. (૧૧.૧૯) હે મહાત્મન્, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સર્વ દિશાઓ કેવળ (એકમાત્ર) આપનાથી વ્યાપેલાં છે. આપનું આ અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણે લોક થથરી રહ્યા છે. (૧૧.૨૦) સર્વ દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, અને કેટલાક ભયભીત થઈ હાથ જોડીને તમારા નામ અને ગુણોના ગાન ગાઇ રહ્યા છે. મહર્ષિઓ અને સિદ્ધોના સમુદાયો "કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ" કહીને ઉત્તમ સ્તોત્રો ગાઇને આપની સ્તુતિ કરી રહ્યા છે. (૧૧.૨૧) રુદ્ર, આદિત્ય, વસુ, સાધ્ય, વિશ્વદેવ, અશ્વિનીકુમાર, મરુત, પિતૃ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધગણ એ સર્વ ચકિત થઈને આપને જોઈ રહ્યા છે. (૧૧.૨૨) હે મહાબાહો, આપના ઘણાં મુખો તથા નેત્રોવાળા, ઘણા હાથ, જંઘા તથા ઘણા પગવાળા, ઘણા પેટવાળા તથા ઘણી જ ભયંકર દાઢીવાળા મહાન રૂપને જોઈને સર્વ પ્રાણી વ્યાકુળ થઈ રહ્યા છે, તથા હું પણ વ્યાકુળ થઈ રહ્યો છું. (૧૧.૨૩)

વિરાટ વિશ્વરૂપ દર્શનથી અર્જુનને ભય

હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરતા દેદીપ્યમાન, અનેક રંગોથી ફેલાયેલું મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રોવાળા તમને જોઈને હું ભયભીત થઈ રહ્યો છું તથા ધીરજ અને શાંતિ નથી પામતો. (૧૧.૨૪) આપની વિકરાળ દાઢીવાળો, પ્રલયની અગ્નિ જેવો પ્રજ્વલિત મુખને જોઈને મને ન તો દિશાઓનું જ્ઞાન રહ્યું છે અને ન તો શાંતિ મળી રહી છે. એટલે હે દેવેશ, હે જગતના પાલનહાર, આપ પ્રસન્ન થાઓ. (૧૧.૨૫) રાજાઓનો સમુદાય − ભીષ્મ, દ્રોણ, કર્ણ અને આપણા પક્ષના મુખ્ય યોદ્ધાગણ − સાથે ધૃતરાષ્ટ્રના બધા જ પુત્ર ઘણા વેગથી આપના વિકરાળ દાઢીવાળા ભયાનક મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. એમાનાં કેટલાક તો ભૂક્કો થયેલા માથા સાથે, આપના દાંતોની વચ્ચે ભીંસાયેલા દેખાઇ રહ્યાં છે. (૧૧.૨૬−૨૭) જેમ નદીઓના ઘણા બધા જળપ્રવાહો સ્વાભાવિક રીતે સમુદ્રની તરફ જાય છે, તેમ જ સંસારના શૂરવીર પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યાં છે. (૧૧.૨૮) જેમ પતંગિયાં પોતાના નાશ માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી દોડીને પ્રવેશ કરે છે, તેમ જ એ બધા લોકો પણ પોતાના નાશ માટે તમારા મુખોમાં ઘણા જ વેગથી દોડીને પ્રવેશ કરી રહ્યા છે. (૧૧.૨૯) આપ સર્વ લોકોને પ્રજ્વલિત મુખો દ્વારા ગ્રાસ કરતા બધી બાજુથી ચાટી રહ્યાં છો, અને હે વિષ્ણુ, આપનો ઉગ્રપ્રકાશ પોતાના તેજથી આખા જગતને પરિપૂર્ણ કરીને તપાવી રહ્યો છે. (૧૧.૩૦) મને એ બતાવો કે ઉગ્રરૂપવાળા આપ કોણ છો? હે દેવોમાં શ્રેષ્ઠ, આપને મારા નમસ્કાર, આપ મારાથી પ્રસન્ન થાઓ. આદિપુરુષ, હું આપને તત્ત્વથી જાણવા માગું છું, કારણ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. (૧૧.૩૧)

આપણે બધા દૈવી નિમિત્ત માત્ર

શ્રીભગવાન કહે છે હું સંપૂર્ણ લોકોનો નાશ કરનાર મહાકાળ છું અને આ સમયે સર્વ લોકોનો સંહાર કરવા માટે અહીં આવ્યો છું. તમારી પ્રતિપક્ષમાં જે યોદ્ધા લોકો ઊભા છે, એ સર્વ તું યુદ્ધ ન કરે તો પણ જીવતા નથી રહેવાના. (૧૧.૩૨) તેથી તું યુદ્ધ માટે તૈયાર થઈ જા અને યશ મેળવ, શત્રુઓને જીતીને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. આ બધા યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે અર્જુન, તું કેવળ નિમિત્ત જ બન. (૧૧.૩૩) દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા બીજા ઘણા બધા પણ મારા વડે હણાયેલા વીર યોદ્ધાઓને તું માર. ભય રાખીશ નહીં, ચોક્કસ તું યુદ્ધમાં જીતીશ, એટલા માટે યુદ્ધ કર. (૧૧.૩૪)

અર્જુન દ્વારા વિશ્વરૂપની વંદના

સંજય કહે છે ભગવાન શ્રીકૃષ્ણના વચનને સાંભળીને મુકુટધારી અને અત્યંત ભયભીત અર્જુન હાથ જોડી ધ્રૂજતા ધ્રૂજતા નમસ્કાર કરીને ગદ્‌ગદ્‌ વાણીથી શ્રીકૃષ્ણને આમ કહે છે. (૧૧.૩૫) અર્જુન કહે છે હે અંતર્યામી ભગવાન, આ બધું યોગ્ય જ છે કે આપનાં (નામ, ગુણ, લીલા વગેરેનું) કીર્તનથી જગત હર્ષિત થઈ પ્રેમમય બની રહ્યું છે. ભયભીત રાક્ષસલોક બધી બાજુ ભાગી રહ્યા છે તથા સિદ્ધગણ તમોને નમસ્કાર કરી રહ્યા છે. (૧૧.૩૬) હે મહાત્મા, તે તમોને, જે બ્રહ્માજીથી પણ મોટા અને આદિકર્તા છે તેમને કેમ નમસ્કાર ન કરે? કારણ કે હે અનંત, હે દેવેશ, હે જગતના પાલનકર્તા, જે સત્ય−અસત્ય અને એ બે થી પણ પર, પરબ્રહ્મ છે, તે આપ જ છો. (૧૧.૩૭) આપ જ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ જ જગતનો આધાર, બધાને જાણનાર, જાણવા યોગ્ય તથા પરમધામ છો. હે અનંતરૂપ, આ બધો સંસાર (વિશ્વ) આપનાથી વ્યાપ્ત છે. (૧૧.૩૮) આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરૂણ, ચંદ્રમા, પ્રજાપતિ બ્રહ્મા અને બધાના પિતા છો. આપને મારા હજારવાર નમસ્કાર, નમસ્કાર અને ફરી પાછા વારંવાર નમસ્કાર હો. (૧૧.૩૯) હે અનંત સામર્થ્યવાળા ભગવાન, આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર. હે સર્વાત્મન, આપને બધી બાજુથી નમસ્કાર. આપ અનંત પરાક્રમી અને શક્તિશાળી છો. સર્વમાં વ્યાપ્ત રહેલા છો એટલે બધું જ તથા સર્વ જગત જે આપ છો. (૧૧.૪૦) હે ભગવાન, તમારા મહિમાને ન જાણવાને કારણ, તમોને મિત્ર માનીને, પ્રેમથી અથવા બેદરકારીથી મેં "હે કૃષ્ણ, યાદવ, હે સખા" વગેરે કહ્યું છે. (૧૧.૪૧) અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદમાં, રમતાં, સૂતાં−બેસતાં અને ખાતી વખતે, એકલા અથવા બીજાની સામે પણ અપમાનિત થયા છો, એ બધા માટે હે અપરિમિત ભગવાન, હું તમારી ક્ષમા માગું છું. (૧૧.૪૨) આપ આ ચરાચર (ચેતન અને જડ) જગતના પિતા અને સર્વશ્રેષ્ઠ પૂજનીય ગુરુ છો. હે અતિશય પ્રભાવવાળા, ત્રણે લોકમાં તમારા જેવા બીજા કોઈપણ નથી, પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે? (૧૧.૪૩) માટે હે ભગવાન, હું તમારા ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને તમોને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું. હે દેવ, જેમ પિતા પુત્રને, મિત્ર એના મિત્રને અને પતિ પોતાની પત્નીને એના અપરાધ માટે ક્ષમા કરે છે, તેવી રીતે તમો પણ મારા અપરાધને ક્ષમા કરો. (૧૧.૪૪) મેં પહેલાં ન જોયેલું જાણેલું તમારું આ રૂપને જોઈને હર્ષ પામું છું તથા ભયથી મારું મન અત્યંત વ્યાકુળ પણ થઈ રહ્યું છે. તેથી હે દેવેશ, હે જગતના આશ્રય, તમો પ્રસન્ન થાવ અને મને તમારું (ચતુર્ભુજ) દેવરૂપ દર્શાવો. (૧૧.૪૫)

પ્રભુના સાકાર રૂપનું દર્શન સંભવ છે

હું તમોને મુકુટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. એટલા માટે હે વિરાટરૂપ, હે હજાર હાથવાળા, આપ તે જ ચતુર્ભજ રૂપમાં પ્રગટ થાઓ. (૧૧.૪૬) શ્રી ભગવાન કહે છે — હે અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મેં મારી યોગમાયાના બળથી મારું આ પરમ, તેજોમય, વિરાટ, અનંત અને મૂળ રૂપ તને બતાવ્યું છે, જેને તારા પહેલાં કોઈએ નથી જોયું. (૧૧.૪૭) હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, તારા સિવાય આ મનુષ્યલોકમાં બીજા કોઈનાથી ન તો વેદ વાંચવાથી, ન તો યજ્ઞથી, ન તો દાનથી, ન તો ઉગ્ર તપથી અને ન તો વૈદિક ક્રિયાઓથી હું આ રૂપમાં જોઈ શકાઉં છું. (૧૧.૪૮) મારા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા અને અતિ મૂઢતા ન થવી જોઈએ. નિર્ભય અને પ્રસન્ન ચિત્તે હવે તું મને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપમાં જો. (૧૧.૪૯) સંજય કહે છે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને એવું કહીને એમનું ચતુર્ભુજરૂપ બતાવ્યું અને સુંદર મનુષ્યરૂપ ધારણ કરી મહાત્મા કૃષ્ણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસન આપ્યું. (૧૧.૫૦) અર્જુન કહે છે હે જનાર્દન, આપના આ સુંદર મનુષ્યરૂપને જોઈને હવે હું શાંત ચિત્ત થઈ મારી સ્વાભાવિક સ્થિતિને પામી ગયો છું. (૧૧.૫૧)

ભક્તિ દ્વારા પ્રભુદર્શન

શ્રીભગવાન કહે છે મારા જે ચતુર્ભુજરૂપને તેં જોયું છે, એનાં દર્શન બહુ જ દુર્લભ છે. દેવતાઓ પણ હંમેશાં આ રૂપના દર્શનની ઝંખના કર્યા કરે છે. (૧૧.૫૨) આ ચતુર્ભુજરૂપમાં જેવો તેં મને જોયો છે તે હું ન તો વેદ વાંચવાથી, ન તો તપથી, ન તો દાનથી અને ન યજ્ઞ કરવાથી જોઈ શકાઉં છું. (૧૧.૫૩) પરંતુ હે પરંતપ અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ હું આ ચતુર્ભુજરૂપમાં જોઈ શકાઉં, તત્ત્વથી જાણી શકાઉં તથા પ્રાપ્ત પણ કરી શકાઉં છું. (૧૧.૫૪) હે અર્જુન, જે મનુષ્ય કેવળ મારા માટે જ સર્વ કર્તવ્ય કર્મો કરે છે, મારા પર જ ભરોસો રાખે છે, મારો ભક્ત છે તથા જે આસક્તિ વિનાનો અને વેરરહિત છે, તે મને પ્રાપ્ત કરે છે. (૧૧.૫૫)

ૐ તત્સદિતિ એકાદશોધ્યાય:

 

અધ્યાય−૧૨ ભક્તિયોગ

 

અર્જુન કહે છે જે ભક્ત નિરંતર યુક્ત રહીને પહેલાં કહ્યા પ્રમાણે આપને ભજે છે. આપના આ કૃષ્ણ સ્વરૂપ સગુણ સાકાર રૂપને તથા જે ભક્ત મન અને વાણીથી પર (અવ્યક્ત) અક્ષરબ્રહ્મને નિરાકાર માની એની ઉપાસના કરે છે, આ બન્નેમાં ઉત્તમ યોગી કોણ છે? (૧૨.૦૧)

સાકારની ઉપાસના કરે કે નિરાકાર બની?

શ્રીભગવાન કહે છે જે ભક્તજનો મારામાં મનને એકાગ્ર કરી નિરંતર થઈને પરમ શ્રદ્ધા અને ભક્તિમાં ધ્યાન કરી મારા પરબ્રહ્મ પરમેશ્વરના (કૃષ્ણસ્વરૂપ) સગુણરૂપની ઉપાસના કરે છે તે મારા મત પ્રમાણે શ્રેષ્ઠ છે. (૧૨.૦૨) પરંતુ જે મનુષ્ય અક્ષર, અનિર્વચનીય, અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનશીલ, અચળ અને સનાતન બ્રહ્મની ઉપાસના ઇંદ્રિયોને સારી રીતે વશમાં રાખી, બધામાં સમભાવ રાખી ભૂતમાત્રના હિતમાં રત રહેનારા છે, તે પણ મને જ પ્રાપ્ત કરે છે. (૧૨.૦૩−૦૪)

સાકારની ઉપાસનાનાં કારણ

પરંતુ એ અવ્યક્તમાં જે મનુષ્યનું ચિત્ત આસક્ત થયેલું છે તેને (સાધનામાં) કષ્ટ વધારે રહે છે, કારણ કે દેહધારીઓ દ્વારા અવ્યક્તની ગતિ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. (૧૨.૦૫) પરંતુ હે અર્જુન, જે ભક્ત મને જ એનું પરમ લક્ષ્ય માનીને બધાં કર્મોને મને અર્પણ કરીને અનન્ય ભક્તિથી મારા સાકાર રૂપનું ધ્યાન કરે છે, એવા ભક્તોનાં, જેમના ચિત્ત મારા સગુણ સ્વરૂપમાં રહે છે તેમનો હું ઝડપથી મૃત્યરૂપી સંસારમાંથી ઉદ્ધાર કરી દઉં છું. (૧૨.૦૬−૦૭)

ઈશ્વરપ્રાપ્તિના ચાર માર્ગ

તું મારામાં જ તારું મન પરોવ અને બુદ્ધિથી મારું જ ચિંતન કર, એ પછી તું નિ:સંદેહ મારામાં જ નિવાસ કરીશ, એમાં કોઈ સંશય નથી. (૧૨.૦૮) હે ધનંજય, અને તું તારા મનને મારામાં સ્થિર કરવામાં અસમર્થ હોય, તો તું પૂજા−પાઠ, શ્રવણ−કીર્તન વગેરે અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. (૧૨.૦૯) અને તું અભ્યાસ કરવામાં અસમર્થ હોય, તો મારા માટે તારા કર્તવ્ય−કર્મોનું પાલન કર. કર્મોને મારા માટે કરવાથી તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિ પામીશ. (૧૨.૧૦) અને તું આ પણ ન કરી શકે, તો મારો આશ્રય લઈ, મન પર વિજય પ્રાપ્ત કરી, સર્વ કર્મોના ફળની આસક્તિનો ત્યાગ કર. (૧૨.૧૧)

કર્મયોગનો સરળ અને ઉત્તમ માર્ગ

મર્મ જાણ્યા વિના અભ્યાસ કરતાં શાસ્ત્રોનું જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં પરમાત્માના સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે અને સર્વ કર્મોના ફળની આસક્તિનો ત્યાગ ધ્યાનથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાગથી તરત જ પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. (૧૨.૧૨)

ભક્તનાં લક્ષણ

જે મનુષ્ય સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષરહિત છે, સર્વના પ્રેમી છે, મમતા અને અહંકાર વિનાનો છે. સુખ અને દુ:ખમાં સમ, ક્ષમાશીલ અને સંતુષ્ટ છે, જેમનું મન અને ઇંદ્રિયોને વશમાં કરી મારામાં દૃઢ નિશ્ચય રાખી અને મન અને બુદ્ધિને મને અર્પણ કરી સદા મારું જ ધ્યાન કરે છે, એવા ભક્ત મને પ્રિય છે. (૧૨.૧૩−૧૪) જેનાથી કોઈ વ્યક્તિ ઉદ્વેગ નથી પામતો તથા જે સ્વયં કોઈથી ઉદ્વેગ નથી પામતો, જે સુખ, દુ:ખ, ભય અને ઉદ્વેગથી મુક્ત છે, તે મને પ્રિય છે. (૧૨.૧૫) જે આકાંક્ષા વિનાનો, શુદ્ધ, કુશળ, પક્ષપાત વિનાનો, સુખી અને સર્વ કર્મોમાં અનાસક્ત છે, એવો ભક્ત મને પ્રિય છે. (૧૨.૧૬) જે ન તો કોઈ સાથે દ્વેષ કરે છે, ન સુખમાં હર્ષિત થાય છે અને ન તો દુ:ખમાં શોક કરે છે, જે કામનારહિત છે તથા શુભ અને અશુભ બન્ને કર્મોના ફળનો ત્યાગ કરે છે, તેવો ભક્તિયુક્ત મનુષ્ય મને પ્રિય છે. (૧૨.૧૭) જે શત્રુ અને મિત્ર, માન અને અપમાન, ઠંડી અને ગરમી તથા સુખ અને દુ:ખમાં સમ છે, જે આસક્તિરહિત છે, જેને નિંદા અને સ્તુતિ બંને બરાબર છે, જે ઓછું બોલે છે, જે કોઈપણ બાબતમાં સંતુષ્ટ છે, જેને સ્થાનમાં આસક્તિ નથી તથા જેની બુદ્ધિ સ્થિર છે, એવો ભક્ત મને પ્રિય છે. (૧૨.૧૮−૧૯)

વ્યક્તિ નિષ્ઠાથી દૈવી ગુણ મેળવવા પ્રયત્ન કરે

જે શ્રદ્ધાવાન ભક્ત મને જ એનું પરમ લક્ષ્ય માનીને ઉપરોક્ત ધર્મમય અમૃતનું જીવન જીવે છે, તે તો મને બહુ જ પ્રિય છે. (૧૨.૨૦)

ૐ તત્સદિતિ દ્વાદશોધ્યાય:

 

અધ્યાય−૧૩ ક્ષેત્ર−ક્ષેત્રજ્ઞવિભાગયોગ

 

સૃષ્ટિ−સિદ્ધાંત

શ્રીભગવાન કહે છે હે કૌંતેય, આ શરીરને ક્ષેત્ર કહે છે અને જે આ ક્ષેત્રને જાણે છે, એને જ્ઞાની લોકો ક્ષેત્રજ્ઞ કહે છે. (૧૩.૦૧) હે ભરતવંશી અર્જુન, મને તું સર્વ ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ જાણ. મારા મત પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ તત્ત્વજ્ઞાન છે. (૧૩.૦૨) ક્ષેત્ર શું છે, કેવું છે, તેનું સ્ત્રોત ક્યાં છે, એની વિભૂતિઓ શું છે તથા ક્ષેત્રજ્ઞ શું છે, એની શક્તિ શી છે, એ સર્વ સંક્ષેપમાં સાંભળ. (૧૩.૦૩) ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિશે ઋષિઓ દ્વારા ઘણા પ્રકારે કહેવાયું છે તથા વિવિધ પ્રકારના વેદમંત્રો બ્રહ્મસૂત્રનાં યુક્તિપૂર્વક પદો દ્વારા પણ વિસ્તારપૂર્વક કહેવાયા છે. (૧૩.૦૪) આદિપ્રકૃતિ, અહંકાર તત્ત્વ, પાંચ મહાભૂતો, દસ ઇંદ્રિયો, મન, પાંચ જ્ઞાનેન્દ્રિયના પાંચ વિષય, ઈચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, સ્થૂળ શરીર, ચેતના તથા ધૃતિ − આ પ્રકારની વિકારો સહિત ક્ષેત્રનું વર્ણન સંક્ષેપમાં કહેવાયું છે. (૧૩.૦૫−૦૬)

નિર્વાણ સાધન માટે ચતુર્વિધિ આર્ષ સત્ય

પોતાનામાં માન અને દેખાડાનો અભાવ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુની સેવા, બહાર−અંદરની શુદ્ધિ, સ્થિરતા, મન વશમાં, ઇંદ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકારનો અભાવ તથા જન્મ, વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુમાં દુ:ખરૂપ દોષોને વારંવાર જોવાં. આસક્તિ રહિત થાવ. (૧૩.૦૭−૦૮) પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં મમતાનો અભાવ, પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં સમાન રહેવું, મારામાં અનન્ય યોગના દ્વારા અટલ ભક્તિ હોવી, એકાંતમાં રહેવું, સંસારી મનુષ્યોના સમાજની અરુચિ, અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે સંલગ્ન (જોડાયેલું) રહેવું, અને તત્ત્વજ્ઞાન દ્વારા સર્વત્ર પરમાત્માને જ જોવા − આ બધું જ્ઞાન (પ્રાપ્તિના સાધન) છે અને જે આની વિપરીત છે, તે અજ્ઞાન કહેવાયું છે. (૧૩.૦૯−૧૧)

દ્રષ્ટાંત કથા દ્વારા જ પ્રભુનું વર્ણન સંભવ

હું તને જાણવા યોગ્ય વસ્તુ એટલે કે પરમાત્માની ઓળખ માટે ઠીક રીતે કહીશ, જેને જાણીને મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. તે અનાદિ પરબ્રહ્મ પરમાત્મા ન તો સત્ (અક્ષર અથવા અવિનાશી) છે, ન તો અસત્ (ક્ષર અથવા નાશવાન) છે. (એ બન્નેથી પર અક્ષરાતીત છે.) (૧૩.૧૨) એના હાથ અને પગ સર્વ જગ્યાએ છે, એની આંખ, માથું, મોઢું (મુખ) અને કાન પણ સર્વ જગ્યાએ છે, કારણ કે તે સર્વવ્યાપી છે. (૧૩.૧૩) તે ઇંદ્રિયો વિના પણ (સૂક્ષ્મ ઇંદ્રિયોથી) બધા વિષયોનો અનુભવ કરે છે. સંપૂર્ણ સંસારનું પાલન−પોષણ કરે છતાં પણ આસક્તિ રહિત છે તથા પ્રકૃતિના ગુણો રહિત (જીવરૂપ ધારણ કરી) છતાં ગુણોને ભોગવનાર છે. (૧૩.૧૪) સર્વ ચર અને અચર ભૂતોની બહાર અને અંદર પણ એ જ છે. સૂક્ષ્મ હોવાથી એ મનુષ્યની ઇંદ્રિયો દ્વારા જોઈ અથવા જાણી શકાતો નથી અને એ સર્વવ્યાપી હોવાથી અત્યંત દૂર અને નજીક પણ છે. (૧૩.૧૫) એ એક જ હોવા છતાં પણ પ્રાણીરૂપમાં અનેક દેખાય છે. એ જ્ઞાનનો વિષય છે તથા સર્વભૂતોને ઉત્પન્ન કરનાર, પાલન−પોષણ કરનાર અને સંહાર કરનાર પણ એ જ છે. (૧૩.૧૬) એ જ્યોતિઓનું સ્ત્રોત છે, અંધકારથી તે પર છે, એ જ જ્ઞાન છે, જ્ઞાનનો વિષય છે અને તે તારતમ્ય (સત્ત્વ) વિદ્યા દ્વારા જાણી શકાય છે. એ (ઈશ્વરરૂપથી) સર્વના અંત:કરણમાં રહે છે. (૧૩.૧૭) આ પ્રકારે મારા દ્વારા સૃષ્ટિ, તત્ત્વજ્ઞાન અને જાણવા યોગ્ય પરમાત્મા વિશે સંક્ષેપમાં કહ્યું છે. આ તત્ત્વને જાણીને મારા ભક્ત મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. (૧૩.૧૮)

પુરુષ, પ્રકૃતિ, આત્મા અને પરમાત્માનું વર્ણન

પુરુષ અને પ્રકૃતિ, એ બન્નેને તું અનાદિ જાણ. સર્વ વિભૂતિઓ અને ગુણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. શરીર અને ઇંદ્રિયોની ઉત્પત્તિ પણ પ્રકૃતિમાંથી થાય છે અને સુખ−દુ:ખનો અનુભવ પુરુષ (ચેતના શક્તિ) દ્વારા થાય છે. (૧૩.૧૯−૨૦) પ્રકૃતિની સાથે મળીને પુરુષ પ્રકૃતિના ગુણોને ભોગવે છે. પ્રકૃતિના ગુણોના સંયોગને કારણે જ પુરુષ (જીવ બનીને) સારી−નરસી યોનિઓમાં જન્મ લે છે. (૧૩.૨૧) એ પરમપુરુષ (આત્મા) જ (જીવરૂપ થઈ) આ શરીરમાં સાક્ષી, સંમતિ આપનાર, પાલનકર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા વગેરે કહેવાય છે. (૧૩.૨૨) એ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે મનુષ્ય યથાર્થરૂપ (ખરુંખોટું) જાણી લે છે, તે સર્વ કર્તવ્ય કર્મ કરે છતાં પણ પુનર્જન્મ નથી પામતો. (૧૩.૨૩) કોઈ સાધક ધ્યાનના અભ્યાસથી, કોઈ સાંખ્યયોગથી (જ્ઞાન) તથા કોઈ કર્મયોગથી (શુદ્ધ કરેલા) મન અને બુદ્ધિથી પોતાના અંત:કરણમાં પરમાત્માના દર્શન કરે છે. (૧૩.૨૪)

વિશ્વાસ જ મોક્ષનો માર્ગ

પરંતુ કેટલાક લોક પરમાત્માને આ રીતે (ધ્યાનયોગ, સાંખ્યયોગ, કર્મયોગ વગેરેથી) નથી જાણતા. તે કેવળ શાસ્ત્ર અને મહાપુરુષોની વાણીને અનુસરી ઉપાસના કરે છે. તે પણ મૃત્યરૂપી સંસારસાગરને શ્રદ્ધારૂપી નૌકા દ્વારા નિ:સંદેહ પાર કરી જાય છે. (૧૩.૨૫) હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ચર અને અચર જેટલા પણ પ્રાણી પેદા થાય છે, તે સર્વ તું પ્રકૃતિ અને પુરુષ (ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ)ના સંયોગથી જ ઉત્પન્ન થયા જાણ. (૧૩.૨૬) જે મનુષ્ય અવિનાશી પરમેશ્વરને જ નશ્વર પ્રાણીઓમાં સમાન ભાવથી રહેલા જુએ છે, તે જ વાસ્તવમાં ઈશ્વરનાં દર્શન કરે છે. (૧૩.૨૭) કેમ કે સર્વમાં રહેલા એક જ પરમેશ્વર જોનાર મનુષ્ય પોતાના વડે પોતાની (એટલે કોઈની પણ) હિંસા નથી કરતો, માટે એ પરમગતિને પામે છે. (૧૩.૨૮) જે મનુષ્ય સર્વ કર્મોને પ્રકૃતિના ગુણો દ્વારા જ થતાં જુએ છે અને પોતે પોતાને (આત્માને પણ) અકર્તા માને છે, વાસ્તવમાં તે જ જ્ઞાની છે. (૧૩.ર૯) જે ક્ષણે સાધક સર્વ પ્રાણીઓને તથા એના અલગ−અલગ વિચારોને એક માત્ર પરબ્રહ્મ પરમાત્માથી જ ઉત્પન્ન થયેલા સમજે છે, તે જ ક્ષણે પરબ્રહ્મ પરમાત્માને પામી જાય છે. (૧૩.૩૦)

બ્રહ્મનાં લક્ષણ

હે અર્જુન, અવિનાશી પરમાત્મા અનાદિ અને વિકાર વિનાના હોવાથી શરીરમાં રહીને પણ કંઈ નથી કરતાં અને ન તો દેહથી લોપાય છે. (૧૩.૩૧) જેમ સર્વવ્યાપી આકાશ અત્યંત સૂક્ષ્મ હોવાને લીધે કોઈ પણ વિકારથી દૂષિત નથી થતું, તેમ જ (સર્વવ્યાપી) આત્મા સર્વના દેહની અંદર રહીને પણ દેહના વિકારોથી દૂષિત નથી થતો. (૧૩.૩૨) હે અર્જુન, જેમ એક જ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશ આપે છે, તેમ જ એક પરમાત્મા સંપૂર્ણ બ્રહ્માંડને ચેતના પ્રદાન કરે છે. (૧૩.૩૩) આ પ્રકારે તત્ત્વજ્ઞાન દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા જીવ કે પ્રકૃતિના વિકારોથી મુક્ત થવાના ઉપાયને જાણી લે છે, તે પરબ્રહ્મ પરમાત્માને પામે છે. (૧૩.૩૪)

ૐ તત્સદિતિ ત્રયોદશોધ્યાય:

 

અધ્યાય−૧૪ ગુણત્રયવિભાગયોગ

 

શ્રીભગવાન કહે છે સર્વ જ્ઞાનોમાં ઉત્તમ આ પરમજ્ઞાનને હું ફરીથી કહીશ, જેને જાણીને સાધકોએ આ સંસારમાંથી મુક્ત થઈ પરમસિદ્ધિ પ્રાપ્ત કરી છે. (૧૪.૦૧) આ જ્ઞાનનો આશ્રય લઈ મારા સ્વરૂપને પામેલા મનુષ્ય સૃષ્ટિના આરંભે પુનર્જન્મ નથી લેતા તથા પ્રલયકાળે પણ વ્યાકુળ નથી થતા. (૧૪.૦૨)

પુરુષ−પ્રકૃતિના સંયોગથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ

હે અર્જુન, મારી મહદ્‌−બ્રહ્મસ્વરૂપ પ્રકૃતિ સર્વ પ્રાણીઓની યોનિ છે, જેમાં હું ચેતનારૂપ બીજ (જડ અને ચેતનના સંયોગથી) મૂકી સમસ્ત ભૂતોની ઉત્પત્તિ કરું છું. (૧૪.૦૩) હે કુંતીપુત્ર, બધી યોનિમાં જેટલાં શરીર પેદા થાય છે, પ્રકૃતિ એ બધાંની માતા છે અને હું ચેતના આપનાર પિતા છું. (૧૪.૦૪) હે અર્જુન, પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણે ગુણરૂપી દોરી − સત્ત્વ, રજસ અને તમસ − અવિનાશી જીવને દેહની સાથે બાંધી દે છે. (૧૪.૦૫) હે પાપરહિત અર્જુન, આમાં સત્ત્વગુણ નિર્મળ હોવાને કારણે વિકારરહિત અને જ્ઞાન દેનાર છે, એ જીવને સુખ અને જ્ઞાનની આસક્તિથી બાંધે છે. (૧૪.૦૬) હે અર્જુન, રજોગુણને રાગ સ્વરૂપ સમજો, જેનાથી વિષયભોગની તૃષ્ણા અને આસક્તિ ઉત્પન્ન થાય છે. એ જીવાત્માને કર્મફળની આસક્તિથી બાંધે છે. (૧૪.૦૭) અને હે ભારત, બધા જીવોને ભ્રમમાં રાખનાર તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયા જાણ, તમોગુણ બેદરકારી, આળસ અને નિદ્રા દ્વારા જીવને બાંધે છે. (૧૪.૦૮) હે અર્જુન, સત્ત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં આસક્ત કરાવે છે તથા તમોગુણ જ્ઞાનને ઢાંકી જીવને બેદરકાર બનાવી દે છે. (૧૪.૦૯)

પ્રકૃતિના ત્રણ ગુણોનાં લક્ષણ

અર્જુન, કોઈવાર રજોગુણ અને તમોગુણને દબાવી સત્ત્વગુણ, કોઈવાર સત્ત્વગુણ અને તમોગુણને દબાવી રજોગુણ તથા કોઈવાર સત્ત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ વૃદ્ધિ પામે છે. (૧૪.૧૦) જ્યારે જ્ઞાનનો પ્રકાશ આ દેહના સર્વ ચર (એટલે બધી ઇંદ્રિયો)ને પ્રકાશિત કરે છે એટલે જ્યારે જીવાત્માના અંત:કરણમાં જ્ઞાનના પ્રકાશનો ઉદય થાય છે ત્યારે સત્ત્વગુણ વધ્યો છે એમ જાણવું. (૧૪.૧૧) હે ભરતશ્રેષ્ઠ, રજોગુણ વધે ત્યારે લોભ, સક્રિયતા, સકામ કર્મ, બેચેની, લાલસા વગેરે ઉત્પન્ન થાય છે. (૧૪.૧૨) હે કુરુનંદન, તમોગુણ વધે ત્યારે અજ્ઞાન, નિષ્ક્રિયતા, બેદરકારી, ભ્રમ વગેરે ઉપન્ન થાય છે. (૧૪.૧૩)

ત્રિગુણ જ આત્માનો પુનર્જન્મનો વાહક છે

જ્યારે સત્ત્વગુણ વધ્યો હોય, તે વખતે જો મનુષ્ય મરે, તો જીવ ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ લોક એટલે સ્વર્ગમાં જાય છે. (૧૪.૧૪) જ્યારે રજોગુણ વધ્યો હોય, તે સમયે જો મનુષ્ય મરે, તો તે કર્મોમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મે છે. તમોગુણ વધ્યો હોય ત્યારે મરનાર મનુષ્ય પશુ વગેરે મૂઢયોનિમાં જન્મે છે. (૧૪.૧૫) સાત્ત્વિક કર્મનું ફળ શુભ અને નિર્મળ, રાજસિક કર્મનું ફળ દુ:ખ અને તામસિક કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. (૧૪.૧૬) સત્ત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ તથા તમોગુણથી બેદરકારી, ભ્રમ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૪.૧૭) સત્ત્વગુણમાં સ્થિત વ્યક્તિ ઉત્તમ લોકોને પામે છે, રાજસ વ્યક્તિ મનુષ્યયોનિમાં આવે છે અને તમોગુણ હીણ (નીચ) પ્રવૃત્તિઓમાં સ્થિત તામસ મનુષ્ય નીચ યોનિઓમાં જન્મે છે. (૧૪.૧૮)

ગુણાતીત હોય તેને મોક્ષ

જ્યારે વિવેકી (જ્ઞાની) મનુષ્ય ત્રણે ગુણો સિવાય બીજો કોઈ કર્તા નથી એમ સમજે છે તથા ગુણોથી પર હું પરમાત્માના તત્ત્વથી જાણે છે, તે સમયે તે મારા સ્વરૂપ એટલે સારૂપ્ય મુક્તિ પામે છે. (૧૪.૧૯) જ્યારે મનુષ્ય દેહની ઉત્પત્તિનું કારણ તથા દેહથી ઉત્પન્ન થતા ત્રણે ગુણોથી પર થઈ જાય છે, ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરી જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુ:ખોથી વિમુક્ત થઈ જાય છે. (૧૪.૨૦)

ગુણાતીત થવાની પ્રક્રિયા

અર્જુન કહે છે હે પ્રભો, આ ત્રણે ગુણોથી અતીત (પ૨) મનુષ્યનાં લક્ષણ કેવાં હોય છે? એનું આચરણ કેવું હોય છે? અને મનુષ્ય આ ત્રણ ગુણોથી પર કેવી રીતે થઈ શકે છે? (૧૪.૨૧) શ્રીભગવાન કહે છે હે અર્જુન, મનુષ્ય ત્રણ ગુણોના કાર્યજ્ઞાન, સક્રિયતા (પ્રવૃત્તિ) અને ભ્રમ (મોહ) પ્રાપ્ત થતા દુ:ખ નથી માનતો અને તેનાથી મુક્ત થઈને તેની ઈચ્છા પણ નથી કરતો, જે સાક્ષીની સમાન રહીને ગુણો દ્વારા વિચલિત નથી થતો તથા ગુણ જ પોતે પોતાના કાર્ય કરી રહ્યા છે એમ સમજીને પરમાત્મામાં સ્થિર ભાવથી સ્થિત રહે છે. (૧૪.૨૨−૨૩) જે નિરંતર આત્મભાવમાં રહે છે તથા સુખ−દુ:ખમાં સમાન રહે છે, જેને માટે માટી, પથ્થર અને સોનું એક સરખું છે. જે ધીર (જ્ઞાની) છે, તે પ્રિય−અપ્રિય, નિંદા−સ્તુતિ, માન−અપમાન તથા શત્રુ−મિત્રમાં સમાન ભાવ રાખે છે અને તે સંપૂર્ણ કર્મોમાં કર્તાપણાના ભાવથી રહિત છે. તે ગુણાતીત કહેવાય છે. (૧૪.૨૪૨૫)

અનન્ય ભક્તિ દ્વારા ગુણ−બંધનોને કાપવા સંભવ

જે મનુષ્ય અનન્ય ભક્તિથી નિરંતર મારી ઉપાસના કરે છે, તે પ્રકૃતિના ત્રણે ગુણોને પાર કરીને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને યોગ્ય થઈ જાય છે. (૧૪.૨૬) કેમ કે હું (પરબ્રહ્મ) અવિનાશી અક્ષરબ્રહ્મ, શાશ્વત ધર્મ તથા પરમઆનંદનું મૂળ છું. (૧૪.૨૭)

ૐ તત્સદિતિ ચતુર્દશોધ્યાય:

 

અધ્યાય−૧૫ પુરુષોત્તમયોગ

 

શ્રીભગવાન કહે છે આ સંસારને એક સનાતન પીપળનું વૃક્ષ કહેવાય છે, જેનું મૂળ પરમાત્મા છે. અનંત બ્રહ્માંડ જેની શાખાઓ છે તથા વેદમંત્ર એના પાંદડાં છે. આ સંસારરૂપી વૃક્ષને જે મનુષ્ય મૂળસહિત (તત્ત્વથી) જાણી લે છે, તે વેદોના જાણકાર છે. (૧૫.૦૧) આ વૃક્ષની શાખાઓ બધી તરફ ફેલાયેલી છે, પ્રકૃતિના ગુણરૂપી જળથી તેની વૃદ્ધિ થાય છે, વિષયભોગ તેની કૂંપળો છે. આ વૃક્ષના (અહંકાર અને ઇચ્છારૂપી) મૂળિયાં પૃથ્વીલોકમાં કર્મબંધન બનીને વ્યાપ્ત છે. (૧૫.૦૨)

મોહ−વૃક્ષને કાપવું અને પ્રભુશરણથી મોક્ષપ્રાપ્તિ કેવી રીતે?

આ માયારૂપી સંસાર વૃક્ષના સ્વરૂપનું આદિ તથા અંતની કંઈ ખબર નથી. (એટલે) મનુષ્ય એના (અહંકાર અને ઈચ્છારૂપી) મૂળને જ્ઞાન અને વૈરાગરૂપી શસ્ત્ર દ્વારા કાપીને એવું વિચારે કે હું એ પરમપુરુષની શરણે છું, જેનાથી આ સારી સનાતન વિભૂતિઓ વ્યાપ્ત છે. એ પરમ તત્ત્વની શોધ કરે, જેને પ્રાપ્ત કરી મનુષ્ય ફરી આ સંસારમાં પાછા ન આવે. (૧૫.૦૩−૦૪) જે માન અને મોહ વગેરેથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જે પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિત છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે સમાપ્ત થઈ ગઈ છે તથા જે સુખ−દુ:ખરૂપી દ્વંદ્વથી મુક્ત થયા છે એવા જ્ઞાનીજન એ અવિનાશી પરમધામને પામે છે. (૧૫.૦૫) એ સ્વયં પ્રકાશિત પરમપદને ન સૂર્ય પ્રકાશિત કરી શકે છે, ન ચંદ્રમા અને ન તો અગ્નિ. એ જ મારું પરમધામ છે, જેને પ્રાપ્ત કરી મનુષ્ય આ સંસારમાં પુનર્જન્મ નથી લેતો. (૧૫.૦૬)

જીવાત્મા ભોગી છે

જીવાત્મા મારી જ શક્તિનો એક અંશ છે, જે પ્રકૃતિમાં રહેલી મન સહિત પાંચ ઇંદ્રિયોને ચેતના પ્રદાન કરે છે. (૧૫.૦૭) જેમ હવા ફૂલમાંથી ગંધને કઈ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેમ જ જીવાત્મા મૃત્યુ પછી મન સહિત ઇંદ્રિયોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. (૧૫.૦૮) આ જીવ શ્રોત્ર (કાન), ચક્ષુ (આંખ), ત્વચા (ચામડી), રસના (જીભ), ઘ્રાણ (નાક) અને મનને આશ્રયે વિષયોને સેવે છે. અજ્ઞાનીજન જીવને એક શરીરથી બીજા શરીરમાં જતો અથવા શરીરમાં સ્થિત ગુણોથી જોડાયેલો વિષયોને ભોગવતો નથી જોઈ શકતો, એને કેવળ જ્ઞાનચક્ષુવાળા જોઈ શકે છે. (૧૫.૦૯−૧૦) પ્રયત્ન કરનાર યોગીજન એના અંત:કરણમાં સ્થિત જીવાત્માને જોઈ (ઓળખી) શકે છે, અશુદ્ધ અંત:કરણવાળા અવિવેકી મનુષ્ય પ્રયત્ન કરવા છતાં પણ આત્માને જોઈ (જાણી) શકતા નથી. (૧૫.૧૧)

બ્રહ્મ સર્વ વસ્તુઓનો સાર છે

જે તેજ સૂર્યમાં રહેલું છે તે સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે તથા જે તેજ ચંદ્રમામાં અને અગ્નિમાં છે તેને તું મારું જ તેજ જાણ. (૧૫.૧૨) હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી સર્વભૂતોને ધારણ કરું છું અને રસ દેનાર ચંદ્રમા બનીને સર્વ વનસ્પતિઓને રસ પ્રદાન કરું છું. (૧૫.૧૩) હું જ સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત વૈશ્વાનર અગ્નિ છું, જે પ્રાણ અને અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારના અન્નને પચાવું છું. (૧૫.૧૪) તથા હું જ સર્વ પ્રાણીઓના અંત:કરણમાં સ્થિત છું. સ્મૃતિ, જ્ઞાન તથા શંકા સમાધાન (વિવેક અથવા સમાધિ દ્વારા) પણ મારાથી જ થાય છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય વસ્તુ, વેદાંતના કર્તા અને વેદને જાણનાર પણ હું જ છું. (૧૫.૧૫)

ક્ષર, અક્ષર અને અક્ષરાતીત શું છે?

લોકોમાં પરબ્રહ્મના ક્ષર (નાશવંત) પુરુષ અને અક્ષર (અવિનાશી) પુરુષ નામના બે દિવ્ય સ્વરૂપ છે. સર્વ જગત ક્ષર પુરુષનો વિસ્તાર છે અને અક્ષર પુરુષ (અથવા આત્મા) અવિનાશી કહેવાય છે. (૧૫.૧૬) પરંતુ આ બેની ઉપર એક ત્રીજો ઉત્તમ દિવ્ય પુરુષ છે, જે પરબ્રહ્મ એટલે કે પરમાત્મા કહેવાય છે. એ ત્રણે લોકોમાં પ્રવેશી ઈશ્વરરૂપથી સૌનું પાલન−પોષણ કરે છે. (૧૫.૧૭) કારણ હું પરબ્રહ્મ પરમાત્મા, ક્ષર પુરુષ (અથવા નારાયણ) અને અક્ષર પુરુષ (અથવા બ્રહ્મ) બંનેથી ઉત્તમ (અથવા પરે) છું, તેથી લોક અને વેદમાં પુરુષોત્તમ કહેવાઉં છું. (૧૫.૧૮) હે અર્જુન, મને પુરુષોત્તમને આ પ્રકારે તત્ત્વત: જાણનાર જ્ઞાની (પરા ભાવથી) નિરંતર મને પરમેશ્વરને જ ભજે અથવા ભક્તિ અને પ્રેમ કરે છે. (૧૫.૧૯) હે નિષ્પાપ, અર્જુન આ પ્રકારે મારા દ્વારા કહેવાઈ ગયું છે. આ ગુહ્યતમ શાસ્ત્રોને તત્ત્વત: જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃતાર્થ થઈ જાય છે. (૧૫.૨૦)

ૐ તત્સદિતિ પંચદશોધ્યાય:

 

અધ્યાય−૧૬ દૈવાસુરસંપ્રદ્વિભાગયોગ

 

મોક્ષ માટે અર્જિત (કમાયેલું) પ્રમુખ દૈવી ગુણોની સૂચિ (યાદી)

શ્રીભગવાન કહે છે હે અર્જુન, અભય, અંત:કરણની શુદ્ધિ, જ્ઞાનયોગમાં દૃઢ સ્થિતિ, દાન, ઇંદ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ, કોઈની નિંદા ન કરવી, દયા, વિષયોથી ન લલચાવું, કોમળતા, અકર્તવ્યમાં લજ્જા, ચપળતાનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, શરીરની શુદ્ધિ, કોઈની સાથે વેર ન કરવું, ગર્વનો અભાવ વગેરે દૈવી સંપત્તિ મેળવનાર મનુષ્યનાં (છવ્વીસ) લક્ષણો છે. (૧૬.૦૧−૦૩)

આધ્યાત્મિક યાત્રાની પહેલાં ત્યાજ્ય (ત્યજવા યોગ્ય) આસુરી ગુણોની યાદી

હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોર વાણી અને અજ્ઞાન આ બધા આસુરી સંપત્તિ લઈને જન્મેલા મનુષ્યોનાં લક્ષણ છે. (૧૬.૦૪) દૈવી સંપત્તિ મોક્ષ માટે અને આસુરી સંપત્તિ બંધન માટે છે. હે પાંડવ, તું શોક ન કર, કારણ કે તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. (૧૬.૦૫)

ફક્ત બે પ્રકારના માનવ − જ્ઞાની અને અજ્ઞાની

હે પાર્થ, આ લોકમાં બે જ જાતિના મનુષ્ય છે − દૈવી અને આસુરી. દૈવી પ્રકૃતિવાળાનું વર્ણન મેં વિસ્તારપૂર્વક કર્યું, હવે તું આસુરી પ્રકૃતિવાળાની બાબતમાં સાંભળ. (૧૬.૦૬) આસુરી સ્વભાવવાળા મનુષ્ય "શું કરવું જોઈએ તથા શું નહીં કરવું જોઈએ" આ બન્નેને નથી જાણતા, એમનામાં ન તો બહાર−અંદરની શુદ્ધિ છે, ન સદાચાર અને ન તો સત્યભાષણ હોય. (૧૬.૦૩) તેઓ કહે છે કે સંસાર અસત્ય, આશ્રય વિનાનું, ઈશ્વર વગરનું અને કોઈપણ ક્રમ વગર આપમેળે માત્ર સ્ત્રી−પુરુષના કામના સંયોગથી જ ઉત્પન્ન થયેલું છે. આના સિવાય બીજું કોઈપણ કારણ નથી. (૧૬.૦૮) આવા નાસ્તિક (મિથ્યા) દૃષ્ટિકોણથી જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, એવા મંદબુદ્ધિવાળા, ઘોર કામો કરવાવાળા, અપકારી મનુષ્યનો જન્મજગતનો નાશ કરવા માટે જ થાય છે. (૧૬.૦૯) તેઓ દંભ, માન અને મદથી ભરેલા, કોઈપણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તથા અપવિત્ર આચરણ ધારણ કરી સંસારમાં રહે છે. (૧૬.૧૦) જીવનભર અપાર ચિંતાઓનો આશરો અને વિષયભોગને જ પરમલક્ષ્ય માનનાર એ લોક એવું સમજે છે કે આ વિષયભોગ જ સર્વસ્વ છે. (૧૬.૧૧) આશાની સેંકડો બેડીઓથી બંધાયેલા, કામ અને ક્રોધના વશમાં રહી, વિષયભોગ માટે અન્યાયપૂર્વક ધનસંચયની ઈચ્છા કરે છે. (૧૬.૧૨) (એ એવું વિચારે છે કે) મેં આજે આ મેળવ્યું છે અને હવે આ મનોરથ પૂરા કરીશ, મારી પાસે આટલું ધન છે તથા આનાથી પણ અધિક ધન ભવિષ્યમાં હશે. (૧૬.૧૩) આ શત્રુને મેં માર્યો છે અને બીજા શત્રુઓને પણ હું મારીશ. હું સર્વ સમર્થ (ઈશ્વર) અને ઐશ્વર્યને ભોગવનાર છું. હું સિદ્ધ, બળવાન અને સુખી છું. (૧૬.૧૪) હું બહુ જ ધનવાન અને સારા (ઉચ્ચ) પરિવારવાળો છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ કરીશ. આ પ્રકારના અજ્ઞાનથી મોહિત રહે છે. (૧૬.૧૫) અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળો, મોહજાળથી ફસાયેલો, વિષયભોગોમાં અત્યંત આસક્ત, આ લોકો ઘોર અપવિત્ર નરકમાં પડે છે. (૧૬.૧૬) પોતે જ પોતાને શ્રેષ્ઠ માનનાર, ઘમંડી, ધન અને માનના મદમાં ચૂર રહેનાર મનુષ્ય અવિધિપૂર્વક કેવળ નામમાત્રના દેખાવ પૂરતો યજ્ઞ કરે છે. (૧૬.૧૭) અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધના વશમાં, બીજાની નિંદા કરનાર એ લોકો પોતાના તથા બીજાના શરીરમાં રહેલા મુજ પરમાત્માનો દ્વેષ કરે છે. (૧૬.૧૮)

અજ્ઞાનનું ફળ છે દુ:ખ

આવો દ્વેષ કરવાવાળા, ક્રૂર અને અપવિત્ર નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું. (૧૬.૧૯) હે અર્જુન, તે મૂઢ મનુષ્ય મને ન પામવાથી જન્મોજન્મ આસુરી યોનિને પામે છે, પાછા ઘોર નરકમાં જાય છે. (૧૬.ર૦)

કામ−ક્રોધ−લોભ નરકના ત્રણ દ્વાર

કામ, ક્રોધ અને લોભ, આ જીવને નરકની તરફ લઇ જનાર ત્રણ પ્રકાર છે, એટલા માટે આ ત્રણનો ત્યાગ કરવો જોઇએ. (૧૬.૨૧) હે અર્જુન, નરકના આ ત્રણ દ્વારોથી મુક્ત વ્યક્તિ પોતાના કલ્યાણ માટે આચરણ કરે છે. તેથી તે પરમગતિ અથવા મને પામે છે. (૧૬.૨૨)

શાસ્ત્રીય વિધાનનું પાલન અનિવાર્ય

જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડી પોતાની ઇચ્છાથી મનમાન્યું આચરણ કરે છે, એને ન પૂર્ણત્વની સિદ્ધિ મળે છે, ન પરમધામ અને ન તો સુખ મળે છે. (૧૬.૨૩) મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યના નિર્ણયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે તારે શાસ્ત્રોક્ત વિધાન અનુસાર જ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઇએ. (૧૬.૨૪)

ૐ તત્સદિતિ ષોડશોધ્યાય:

 

અધ્યાય−૧૭ શ્રદ્ધાત્રયવિભાગયોગ

 

અર્જુન કહે છે હે કૃષ્ણ, જે વ્યક્તિ શાસ્ત્રવિધિ છોડીને કેવળ શ્રદ્ધાપૂર્વક જ પૂજા વગેરે કરે છે તેમની (શ્રદ્ધા) કેવી છે? શું તે સાત્ત્વિક છે અથવા રાજસિક કે તામસિક છે? (૧૭.૦૧)

આસ્થા (શ્રદ્ધા)ના ત્રણ પ્રકાર

શ્રીભગવાન કહે છે મનુષ્યોની સ્વાભાવિક શ્રદ્ધા ત્રણ પ્રકારની − સાત્ત્વિક, રાજસિક અને તામસિક હોય છે, એને સાંભળ. (૧૭.૦૨) હે અર્જુન, બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના સ્વભાવ, (તથા સંસ્કાર) અનુરૂપ હોય છે. મનુષ્ય પોતાના સ્વભાવથી ઓળખાય છે. મનુષ્ય જેવું ઈચ્છે તેવો જ બની શકે છે (જો તે શ્રદ્ધાપૂર્વક પોતાની ઈચ્છિત ધ્યેયનું ચિંતન કર્યા કરે તો). (૧૭.૦૩) સાત્ત્વિક વ્યક્તિ દેવી−દેવતાઓને પૂજે છે, રાજસી મનુષ્ય યક્ષ અને રાક્ષસોને તથા તામસી વ્યક્તિ ભૂતો અને પ્રેતોને પૂજે છે. (૧૭.૦૪) જે લોકો શાસ્ત્રવિધિ વિનાનું ઘોર તપ કરે છે, જે દંભ અને અભિમાનથી ભરેલા છે, જે કામના અને આસક્તિથી પ્રેરિત છે, જે શરીરમાં સ્થિત પંચભૂતોને અને બધાના અંત:કરણમાં રહેનાર મુજ પરમાત્માને પણ કષ્ટ દેનાર અવિવેકી લોકો છે, એવાને તું આસુરી સ્વભાવવાળા જાણ. (૧૭.૦૫−૦૬)

ભોજનના ત્રણ પ્રકાર

બધાના પ્રિય ભોજન પણ ત્રણ પ્રકારના હોય છે અને તેમ જ યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે. તેમના ભેદ તું મારી પાસેથી સાંભળ. (૧૭.૦૭) આયુષ્ય, બુદ્ધિ, બળ, સ્વાસ્થ્ય, સુખ અને પ્રસન્નતા વધારનારા, રસયુક્ત, ચીકણા અને સ્થિર રહેનાર તથા શરીરને શક્તિ દેનાર આહાર સાત્ત્વિક વ્યક્તિને પ્રિય હોય છે. (૧૭.૦૮) દુ:ખ, ચિંતા અને રોગોને ઉત્પન્ન કરનાર, બહુ જ કડવા, ખાટા, ખારા, ગરમ, તીખા, લૂખા અને દાહ કરનાર આહાર રાજસિક વ્યક્તિને પ્રિય હોય છે. (૧૭.૦૯) અધકચરું (કાચુંપાકું), રસવિનાનું, દુર્ગધવાળું, વાસી, એઠું અને (માંસ, મદિરા વગેરે) અપવિત્ર આહાર તામસિક મનુષ્યને પ્રિય હોય છે. (૧૭.૧૦)

યજ્ઞના ત્રણ પ્રકાર

"યજ્ઞ કરવો એ આપણું કર્તવ્ય છે." − એમ વિચારી વગર ફળની આશા કરનાર દ્વારા વિધિપૂર્વક કરેલા યજ્ઞ સાત્ત્વિક છે. (૧૭.૧૧) હે અર્જુન, જે યજ્ઞ ફળની ઈચ્છાથી અથવા દેખાવ માટે કરે છે, એને તું રાજસિક સમજ. (૧૭.૧૨) શાસ્ત્રવિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા વગર કરેલા યજ્ઞને તામસિક યજ્ઞ કહે છે. (૧૭.૧૩)

વિચાર, વાણી અને કર્મના તપ

દેવી−દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સદાચાર, બ્રહ્મચર્ય અને અહિંસાને શારીરિક તપ કહેવાય છે. (૧૭.૧૪) એવી વાણી સારી છે, જે બીજાનાં મનમાં અશાંતિ પેદા ન કરે, જે સત્ય, મધુર અને હિતકારક હોય તથા જેનો ઉપયોગ શાસ્ત્ર શીખવામાં હોય, તેને વાણીનું તપ કહેવાય છે. (૧૭.૧૫) મનની પ્રસન્નતા, સરળતા, ચિત્તની સ્થિરતા, મનનું નિયંત્રણ અને શુદ્ધ વિચારને માનસિક તપ કહેવાય છે. (૧૭.૧૬)

તપના ત્રણ પ્રકાર

ફળ વગરની ઇચ્છાથી, પરમ શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપરના ત્રણે પ્રકાર − મન, વાણી અને શરીરના તપને સાત્ત્વિક તપ કહે છે. (૧૭.૧૭) જે તપ બીજાથી સત્કાર, માન અને પૂજા કરાવવા માટે અથવા કેવળ દેખાવ માટે જ કર્યું હોય, એવા અનિશ્ચિત અને ક્ષણિક ફળવાળા તપને રાજસિક કહ્યું છે. (૧૭.૧૮) જે તપ મૂઢતાપૂર્વક હઠથી પોતાના શરીરને પીડા આપી અથવા બીજાને ક્ષતિ (હાનિ) કરવા માટે કરે છે, એને તામસિક તપ કહેવાય છે. (૧૭.૧૯) "દાન આપવું એ અનુસાર આપણું કર્તવ્ય છે" − એવા ભાવથી જ દાન દેશ, કાળ અને પાત્ર અનુસાર બદલો મેળવવાની આશા વગર આપે છે, એ દાન સાત્ત્વિક કહેવાય છે. (૧૭.૨૦) જે દાન ફળ અથવા બદલાની આશા સાથે અથવા શ્રદ્ધા વગર આપે છે, તે ધન રાજસિક કહેવાય છે. (૧૭.૨૧) જે દાન દેશ, કાળ અને પાત્રનો વિચાર કર્યા વગર અથવા પાત્રનું અનાદર તથા તિરસ્કાર કરીને આપે છે, તે દાન તામસિક કહેવાય છે. (૧૭.૨૨)

બ્રહ્મનાં ત્રણ નામ

બ્રહ્મના − જેના દ્વારા સૃષ્ટિના આરંભમાં વેદો, બ્રાહ્મણો અને યજ્ઞોની રચના થઈ છે. , તત્ અને સત્ ત્રણ નામ કહેવાયાં છે. (૧૭.૨૩) એટલા માટે, પરબ્રહ્મ પરમાત્માને જાણનાર દ્વારા (શાસ્ત્રવિધિથી) કરેલાં યજ્ઞ, દાન, તપ વગેરે વૈદિક ક્રિયાઓનો પ્રારંભ હંમેશાં પરમાત્માના ""નામના ઉચ્ચારણથી જ થાય છે. (૧૭.૨૪) ફળની ઈચ્છા ન રાખનાર મુમુક્ષુઓ દ્વારા વિવિધ પ્રકારના યજ્ઞ, તપ અને દાન વગેરે ક્રિયાઓ "તત્" શબ્દના ઉચ્ચારણ કરીને કરે છે. (૧૭.૨૫) હે પાર્થ, "સત્" શબ્દનો પ્રયોગ પરમાત્માના અસ્તિત્વ, સારા ભાવ તથા શુભ કર્મ માટે પણ કરવામાં આવે છે. (૧૭.૨૬) યજ્ઞ, તપ અને દાનમાં શ્રદ્વા તથા પરમાત્મા માટે કરવામાં આવતા (નિષ્કામ) કર્મને પણ "સત્" કહે છે. (૧૭.૨૭) હે પાર્થ, યજ્ઞ, દાન, તપ વગેરે જે પણ કર્મ શ્રદ્ધા વગર કરે છે, તેને "અસત્" કહેવાય છે. જેનું ન આ લોકમાં અને ન તો પરલોકમાં કોઈ પ્રયોજન છે. (૧૭.૨૮)

 

ૐ તત્સદિતિ સપ્તદશોધ્યાય:

 

અધ્યાય−૧૮ મોક્ષસંન્યાસયોગ

 

અર્જુન કહે છે હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસ અને ત્યાગ તથા તેમના ભેદને સારી રીતે જાણવા માગું છું. (૧૮.૦૧)

સંન્યાસ અને ત્યાગની પરિભાષા

શ્રીભગવાન કહે છે સકામ કર્મોના પરિત્યાગને જ્ઞાનીજન "સંન્યાસ" કહે છે તથા વિવેકી મનુષ્ય સર્વ કર્મોના ફળના ત્યાગને "ત્યાગ" કહે છે. (૧૮.૦૨) કેટલાક મહાત્મા કહે છે કે સર્વ કર્મ દોષમય હોવાને કારણે ત્યાગવા યોગ્ય છે અને બીજા લોકોનું કહેવું છે કે યજ્ઞ, દાન અને તપને ત્યાગવાં ન જોઈએ. (૧૮.૦૩) હે અર્જુન, ત્યાગવા વિશે હવે તું મારો નિર્ણય સાંભળ. હે પુરુષશ્રેષ્ઠ, ત્યાગ પણ ત્રણ પ્રકારના કહેવાયા છે. (૧૮.૦૪) યજ્ઞ, દાન અને તપનો ત્યાગ નહીં કરવો જોઈએ, તે અવશ્ય કરવાં જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ સાધકોના અંત:કરણને પવિત્ર કરે છે. (૧૮.૦૫) હે પાર્થ, આ કર્મોને પણ ફળની આસક્તિ ત્યાગ કરીને કરવાં જોઈએ, એવો મારો નિશ્ચિત ઉત્તમ મત છે. (૧૮.૦૬)

ત્યાગના ત્રણ પ્રકાર

હે અર્જુન, કર્તવ્ય−કર્મનો ત્યાગ ઉચિત નથી, ભ્રમવશ (મોહવશ) થઈ એનો ત્યાગ કરવો તે તામસિક ત્યાગ કહેવાય છે. (૧૮.૦૭) "બધાં કર્મ દુ:ખરૂપ છે" − એમ સમજીને કોઈ શારીરિક કષ્ટ અથવા પીડાના ભયથી પોતાનું કર્તવ્ય−કર્મને ત્યાગે, તો તેને રાજસિક ત્યાગ કહેવાય છે અને આવા ત્યાગનું ફળ નથી મળતું. (૧૮.૦૮) "કર્મ કરવું એ કર્તવ્ય છે" એવું સમજીને, હે અર્જુન, જે નિયત કર્મફળની આસક્તિ ત્યાગીને કરેલા છે, તેને સાત્ત્વિક ત્યાગ મનાય છે. (૧૮.૦૯) જે મનુષ્ય અશુભ કર્મનો દ્વેષ નથી કરતો તથા શુભ કર્મમાં આસક્ત નથી થતો, તે સત્ત્વગુણથી સંપન્ન, સંશય વિનાનો, બુદ્ધિમાન અને ત્યાગી ગણાય છે. (૧૮.૧૦) મનુષ્ય માટે સંપૂર્ણ રીતે બધાં કર્મોનો ત્યાગ કરવો સંભવ નથી, એટલે જ બધાં કર્મોના ફળમાં આસક્તિનો ત્યાગ કરે છે, તે જ ત્યાગી કહેવાય છે. (૧૮.૧૧) કર્મોના ત્રણ પ્રકારના ફળ સારાં, ખરાબ અને મિશ્ર − મર્યા પછી કર્મફળમાં આસક્તિનો ત્યાગ ન કરનારને મળે છે, પરંતુ ત્યાગીને કદી મળતું નથી. (૧૮.૧૨)

કર્મના પાંચ કારણ

હે મહાબાહો, સાંખ્ય સિદ્ધાંતને અનુસાર બધાં કર્મોની સિદ્ધિને માટે આ પાંચ કારણ − સ્થૂળ શરીર, પ્રકૃતિના ગુણરૂપી કર્તા, પાંચ પ્રાણ, ઇંદ્રિયો તથા ઇંદ્રિયોના અધિદાતા (મુખ્ય) દેવગણ બતાવ્યા છે, તેને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. (૧૮.૧૩−૧૪) મનુષ્ય પોતાની મન, વાણી અને શરીર દ્વારા જે કંઈપણ ઉચિત અથવા અનુચિત કર્મ કરે છે, એનાં આ પાંચ કારણ છે. (૧૮.૧૫) એટલે જે કેવળ પોતે પોતાને અથવા પોતાના શરીર અથવા આત્માને જ કર્તા માની લે છે, તે અજ્ઞાની મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે સમજતો નથી. (૧૮.૧૬) જે મનુષ્યના અંત:કરણમાં "હું કરું છું" નો ભાવ નથી તથા જેની બુદ્ધિ (કર્મફળની આસક્તિ)થી લોપાતી નથી, તે આ બધાં પ્રાણીઓને મારીને વાસ્તવમાં કોઈને મારતો નથી અને નથી પાપથી બંધાતો. (૧૮.૧૭) કર્મનું જ્ઞાન, જ્ઞાનનો વિષય (જ્ઞેય) અને જ્ઞાતા (જાણવાની વસ્તુ, જ્ઞાન અને જાણનાર) − આ ત્રણ કર્મની પ્રેરણા છે તથા કરણ (ઇંદ્રિયો), ક્રિયા અને કર્તા પ્રકૃતિના ત્રણ ગુણો − આ ત્રણ કર્મના અંગ છે. (૧૮.૧૮)

જ્ઞાનના ત્રણ પ્રકાર

સાંખ્યશાસ્ત્ર પ્રમાણે જ્ઞાન, કર્મ અને કર્તા પણ ગુણોના ભેદથી ત્રણ પ્રકારના કહેવાયા છે. એને પણ તું મારી પાસેથી સારી રીતે જાણ. (૧૮.૧૯) જે જ્ઞાનથી મનુષ્ય વિભક્તરૂપમાં રહેલા સર્વ પ્રાણીઓમાં એક જ અવિભક્ત અને અવિનાશી પરમાત્માને સમભાવથી રહેલા જુએ છે, એ જ્ઞાનીને તું સાત્ત્વિક જાણ. (૧૮.૨૦) જે જ્ઞાનથી મનુષ્ય જુદા પ્રાણીઓના અસ્તિત્વમાં (હોવું) અનેકતાનો અનુભવ કરે છે, એ જ્ઞાનને તું રાજસિક જાણ. (૧૮.૨૧) અને જે મૂર્ખતાપૂર્ણ, તુચ્છ અને બેકાર જ્ઞાનથી મનુષ્ય શરીર જ બધું છે તેમ માનીને એમાં આસક્ત થઇ જાય છે તે જ્ઞાન તામસિક છે. (૧૮.૨૨) જે કર્મ (શાસ્ત્રવિધિથી) નિયત અને કર્મફળની ઇચ્છા અને આસક્તિથી રહિત છે તથા રાગ−દ્વેષ વગર કર્યું હોય તેને સાત્ત્વિક કર્મ કહેવાય છે. (૧૮.૨૩) જે કર્મફળની કામનાવાળા, અહંકારી મનુષ્ય દ્વારા બહુ જ પરિશ્રમથી કર્યું હોય, તેને રાજસિક કહેવાય છે. (૧૮.૨૪) જે કર્મ પરિણામ, પોતાની હાનિ, બીજાને પીડા અને પોતાના સામર્થ્યને ન વિચારી, કેવળ મોહને (અજ્ઞાનને) લીધે કરે છે, તે કર્મ તામસિક કહેવાય છે. (૧૮.૨૫)

કર્તાના ત્રણ પ્રકાર

જે કર્તા આસક્તિ અને અહંકારથી રહિત તથા ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત તેમ જ કાર્યની સફળતા અને અસફળતામાં નિર્વિકાર (હર્ષ−શોક વગરનો) રહે છે તે કર્તા સાત્ત્વિક કહેવાય છે. (૧૮.૨૮)

બુદ્ધિના ત્રણ પ્રકાર

હે અર્જુન, હવે તું મારી પાસે ગુણોને અનુસાર બુદ્ધિ અને સંકલ્પના પણ ત્રણ ભેદ સંપૂર્ણપણે જુદા જુદા સાંભળ. (૧૮.૨૯) જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય અને અભયને તથા મુક્તિ અને બંધનને યથાર્થપણે જાણે છે, તે બુદ્ધિ સાત્ત્વિક છે. (૧૮.૩૦) હે પાર્થ, જે બુદ્ધિથી મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને સારી રીતે નથી જાણતો, તે બુદ્ધિ રાજસિક છે. (૧૮.૩૧) હે અર્જુન, જે બુદ્ધિ અજ્ઞાનને કારણ અધર્મને જ ધર્મ માની લે છે, એવી રીતે બધી વસ્તુને ઊલટી સમજે છે, તે બુદ્ધિ તામસિક છે. (૧૮.૩૨)

સંકલ્પના ત્રણ પ્રકાર અને માનવજીવનના ચાર લક્ષ્ય

જે સંકલ્પ દ્વારા કેવળ પરમાત્માને જ જાણવાના ધ્યેયથી મનુષ્ય મન, પ્રાણ અને ઇંદ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, તે સંકલ્પ સાત્ત્વિક છે. (૧૮.૩૩) હે પૃથાનંદન, ફળની ઇચ્છાવાળા મનુષ્ય જે સંકલ્પ દ્વારા ધર્મ, અર્થ અને કામને અત્યંત આસક્તિપૂર્વક ધારણ કરે છે તે સંકલ્પ રાજસિક છે. (૧૮.૩૪) હે પાર્થ, બુદ્ધિહીન મનુષ્ય જે ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા, દુ:ખ અને બેદરકારીને નથી છોડતો, તે સંકલ્પ તામસિક કહેવાય છે. (૧૮.૩૫)

આનંદના ત્રણ પ્રકાર

હે ભરતશ્રેષ્ઠ, હવે તું ત્રણ પ્રકારના સુખને પણ મારી પાસેથી સાંભળ. મનુષ્યને આધ્યાત્મિક સાધનાથી મળેલા સુખથી બધાં દુ:ખોનો અંત આવે છે. (૧૮.૩૬) એવા આત્મબુદ્ધિરૂપી પ્રસાદથી ઉત્પન્ન સુખ જે શરૂઆતમાં ઝેર (વિષ) જેવું, પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય છે તેને સાત્ત્વિક સુખ કહે છે. (૧૮.૩૭) ઇંદ્રિયોના ભોગથી ઉત્પન્ન સુખ જે ભોગના સમયે તો અમૃત જેવું લાગે છે, પરંતુ તેનું પરિણામ વિષ જેવું હોય છે, તેને રાજસિક સુખ કહ્યું છે. (૧૮.૩૮) નિંદ્રા, આળસ અને બેદરકારીથી ઉત્પન્ન થયેલ સુખ જે ભોગકાળમાં તથા પરિણામમાં પણ મનુષ્યને ભ્રમિત કરનારું છે, તેને તામસિક સુખ કહેવાયું છે. (૧૮.૩૯) પૃથ્વી પર અથવા સ્વર્ગના દેવતાઓમાં કોઇપણ પ્રાણી પ્રકૃતિના આ ત્રણ ગુણોથી મુક્ત થઇ ન રહી શકે. (૧૮.૪૦)

વ્યક્તિની યોગ્યતાને અનુસાર શ્રમનું વિભાજન છે

હે અર્જુન, ચાર વર્ણો  − બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રમાં કર્મના વિભાજન પણ મનુષ્યના ગુણથી ઉત્પન્ન થયેલા સ્વભાવના અનુસાર જ કરવામાં આવ્યા છે. (૧૮.૪૧) શમ, દમ, તપ, શૌચ, સહિષ્ણુતા, સત્યવાદિતા, શાન, વિવેક અને આસ્તિકાવ આ બ્રાહ્મણના સ્વાભાવિક કાર્યો છે. (૧૮.૪ર) શૌર્ય, તેજ, દૃઢ સંકલ્પ, દક્ષતા, યુદ્ધથી ન ભાગવું, દાન આપવું અને શાસન કરવું આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. (૧૮.૪૩) ખેતી, ગૌપાલન તથા વ્યાપાર − આ બધા વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા શુદ્રનું સ્વાભાવિક કર્મ સેવા કરવાનું છે. (૧૮.૪૪)

કર્તવ્ય, સાધના અને ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ

મનુષ્ય પોતપોતાનાં સ્વાભાવિક કર્મ કરતાં પરમસિદ્ધિને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે, તેને તું મારી પાસેથી સાંભળ. (૧૮.૪૫) જે પરબ્રહ્મ પરમાત્માથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઇ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે, એને પોતાના કર્મ દ્વારા પૂજન કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે. (૧૮.૪૬) પોતાનું ગુણરહિત સહજ અને સ્વાભાવિક કાર્ય આત્મવિકાસ માટે બીજા સારા અસ્વાભાવિક કાર્યથી શ્રેયસ્કર (કલ્યાણકારી) છે, કારણ કે નિષ્કામ ભાવથી પોતાનું સ્વાભાવિક કાર્ય કરવાથી મનુષ્યને પાપ નથી લાગતું. (૧૮.૪૭) હે અર્જુન, પોતાનું દોષયુક્ત સહજ સ્વાભાવિક કર્મને પણ ત્યાગ ન કરવું જોઇએ, કારણ કે જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાય છે, તેમ જ સર્વે કર્મો કોઇને કોઇ દોષથી યુક્ત છે. (૧૮.૪૮) આસક્તિરહિત, ઇચ્છારહિત અને જીતેન્દ્રિય મનુષ્ય સંન્યાસ (એટલે કે સકામ કર્મોનો પરિત્યાગ) દ્વારા (કર્મના બંધનથી મુક્ત થઇ) પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. (૧૮.૪૯) હે કૌંતેય, નૈષ્કર્મ્ય સિદ્ધિને પામીને સાધક કેવી રીતે તત્ત્વજ્ઞાનની પરા (ઉત્તમ) નિષ્ઠા (શ્રદ્ધા) રાખી − પરમપુરુષને પામે છે તે પણ મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. (૧૮.૫૦) વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત, મનના દૃઢ સંકલ્પ દ્વારા આત્મસંયમ કરી, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરી, રાગ−દ્વેષથી રહિત થઇ, એકાંતમાં રહીને, હલકું, સાત્ત્વિક અને નિયમિત ભોજન કરીને, પોતાની વાણી, કર્મેન્દ્રિયો અને મનને સંયમિત કરી, પરમાત્માના ધ્યાનમાં સદૈવ (કાયમ) રહી, દૃઢ વૈરાગ્ય ધારણ કરી, અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહોનો ત્યાગ કરી, મમત્વ વિનાનો અને શાંત મનુષ્ય પરબ્રહ્મ પરમાત્માને પામવાને યોગ્ય બને છે. (૧૮.૫૧−૫૩) આવી રીતે બ્રહ્મભાવને પામેલા, પ્રસન્ન ચિત્તવાળા સાધક ન તો કોઈ માટે શોક કરે છે, ન કોઇ વસ્તુની ઈચ્છા કરે છે. એવા બધાય પ્રાણીઓમાં સમભાવવાળા સાધક મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. (૧૮.૫૪) શ્રદ્ધા અને ભક્તિ (અથવા પરાભક્તિ) દ્વારા જો "હું" તત્ત્વને જાણી શકું છું કે હું કોણ છું અને ક્યાં છું. મને તત્ત્વથી જાણીને પછી તરત જ મનુષ્ય મારામાં પ્રવેશ કરે છે. (મારું સ્વરૂપ થઇ જાય છે) (૧૮.૫૫) મારો આશ્રય લેનાર (કર્મયોગી ભક્ત) સદાય સર્વ કર્મ કરવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે. (૧૮.૫૬) સઘળાં કર્મોને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મને અર્પણ કર, મને તારું પરમ લક્ષ્ય માની મારા પર જ ભરોસો રાખ તથા નિષ્કામ કર્મયોગનો આશ્રય લઇ નિરંતર મારામાં જ ચિત્ત પરોવ. (૧૮.૫૭) મારામાં ચિત્ત પરોવવાથી તું મારી કૃપાથી બધી મુશ્કેલીઓને પાર કરી જઇશ અને જો તું અહંકારને વશ થઇ મારા આ ઉપદેશને નહીં સાંભળે, તો તારું પતન થશે. (૧૮.૫૮)

કર્મબંધન અને સ્વતંત્ર ઇચ્છાશક્તિ

જો અહંકારવશ તું એવું જો વિચારે કે "હું યુદ્ધ નહીં કરીશ", તો તારો એવો વિચાર મિથ્યા છે, કારણ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. (૧૮.૫૯) હે અર્જુન, તું પોતાના સ્વાભાવિક કર્મ (અને સંસ્કારરૂપી બંધનો)થી બંધાયેલો છે, એટલે મોહને વશ થઈ જે કામ તું નથી કરવા માંગતો, તેને પણ તું પરવશ થઈને કરીશ. (૧૮.૬૦) હે અર્જુન, ઈશ્વર (અથવા શ્રીકૃષ્ણ જ) બધાં પ્રાણીઓના અંત:કરણમાં રહીને પોતાની માયાથી પ્રાણીઓને યંત્ર ઉપર આરૂઢ કઠપૂતળીની જેમ નચાવે છે. (૧૮.૬૧) હે ભારત, તું પરાભક્તિભાવથી એ ઈશ્વરની જ શરણમાં જા, એની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત પરમધામને પામીશ. (૧૮.૬૨) મેં તને ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું છે, હવે એના પર સારી રીતેથી વિચાર કરીને પછી તારી ઈચ્છા હોય, તેમ કર. (૧૮.૬૩)

સમર્પણ પ્રભુપ્રાપ્તિનો પરમ માર્ગ

મારા આ સર્વ ગુહ્યોમાં ગુહ્ય પરમ ઉપદેશને તું ફરી એકવાર સાંભળ, તું મને અત્યંત પ્રિય છે, એટલે હું તારા હિતની વાત કરીશ. (૧૮.૬૪) તું મારામાં તારું મન લગાડ, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર કર. એવું કરવાથી તું મને અવશ્ય પામશે. હું તને આ સત્યવચન આપું છું, કારણ કે તું મારો પ્રિય મિત્ર છે. (૧૮.૬૫) સંપૂર્ણ ધર્મોના (અથવા પુણ્યકાર્યોના પણ) પરિત્યાગ કરીને તું એક મારી જ શરણમાં આવી જા. શોક ન કર, હું તને સર્વ પાપો (અથવા કર્મના બંધનો) થી મુક્ત કરીશ. (૧૮.૬૬)

પરમાત્માની પરમસેવા તથા સર્વોત્તમ દાન

(ગીતાનું) આ અતિ ગુહ્ય જ્ઞાનને તપરહિત અને ભક્તિરહિત વ્યક્તિઓને અથવા જે એને સાંભળવા ન ઈચ્છતા હોય અથવા જેને મારામાં શ્રદ્ધા ન હોય, એવા લોકોને કદી ન કહેવું. (૧૮.૬૭) જે વ્યક્તિ આ પરમગુહ્ય જ્ઞાનને મારા ભક્તજનોમાં પ્રચાર અને પ્રસાર કરશે, તે મારી આ ઉત્તમ પરાભક્તિ કરીને નિ:સંદેહ મને પામશે. એનાથી વધારે પ્રિય મારું કાર્ય કરનાર કોઈ મનુષ્ય થશે નહીં, અને એનાથી વધારે પ્રિય આ પૃથ્વી પર કોઈ બીજો થશે નહીં. (૧૮.૬૮−૬૯)

ગીતાનો મહિમા

જે વ્યક્તિ આપણા બે વચ્ચે થયેલા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ − આ મારું વચન છે. (૧૮.૭૦) તથા જે શ્રદ્ધાપૂર્વક અને આલોચના કર્યા વગર (દ્વેષરહિત) આને સાંભળશે, તે પણ સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાન લોકના શુભ લોકોને પામશે. (૧૮.૭૧) હે પાર્થ, શું તેં એકાગ્ર ચિત્ત થઈ આને સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનને લીધે ભ્રમ (મોહ) પૂર્ણરૂપે નાશ પામ્યો? (૧૮.૭૨) અર્જુન કહે છે હે અચ્યુત, આપની કૃપાથી મારો ભ્રમ દૂર (નાશ) થઈ ગયો છે, અને મને જ્ઞાન થઈ ગયું છે. હવે હું સંશયરહિત થઈ ગયો છું અને હું આપની આજ્ઞાનું પાલન કરીશ. (૧૮.૭૩) સંજય કહે છે આ પ્રમાણે મેં ભગવાન શ્રીકૃષ્ણ અને મહાત્મા અર્જુનનો આ અદ્ભુત અને રોમાંચકારી સંવાદ સાંભળ્યો. (૧૮.૭૪) વ્યાસજીની કૃપાથી (દિવ્યદૃષ્ટિ મેળવી) મેં આ પરમગુહ્ય જ્ઞાનને (અર્જુનને કહેતા) સાક્ષાત્ યોગેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી સાંભળ્યું છે. (૧૮.૭૫) હે રાજન્, ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર (એટલે કે કલ્યાણકારી) અને અદ્ભુત સંવાદને વારંવાર યાદ કરીને હું વારંવાર હરખાઉ છું. (૧૮.૭૬) હે રાજન્, શ્રીહરિના અત્યંત અદ્ભુતરૂપને પણ સંભારી સંભારીને મને અત્યંત આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. (૧૮.૭૭)

સંતુલન જીવન માટે આત્મજ્ઞાન અને કર્મયોગ બન્નેની જરૂરિયાત

સંજય કહે છે જ્યાં પણ, જે દેશ અથવા ઘરમાં, (ધર્મ અથવા શાસ્ત્રધારી) યોગેશ્વર શ્રીકૃષ્ણ તથા (ધર્મરક્ષા અને કર્મરૂપી) શસ્ત્રધારી અર્જુન બન્ને હશે, ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને નીતિ વગેરે કાયમ બિરાજમાન રહેશે એવો મારો અટલ વિશ્વાસ છે. (૧૮.૭૮)

 

ૐ તત્સદિતિ અષ્ટાદશોધ્યાય:

 

હરિ તત્સત્ હરિ તત્સત્ હરિ ૐ તત્સત્

શ્રીકૃષ્ણાર્પણ અસ્તુ શુભ ભૂયાત

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

આ ગ્રંથ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે

પ્રભુ વાંચનારને સારાઈ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે